રાજયના હજારો વિદ્યાર્થી – વાલીઓને રાહત આપતો ચુકાદો : સ્કુલ સંચાલકો – પક્ષકારોને નોટીસ



સુપ્રીમકોર્ટે એક મહત્ત્વના આદેશ મારફતે સ્પષ્ટ કર્યુ હતું કે, ખાનગી સ્વનિર્ભર શાળાઓ ફી નિર્ધારણ સમિતિ દ્વારા નક્કી કરાયેલ ફી ની રકમ કરતાં વધુ રકમની માંગણી કરી શકશે નહીં. ખાનગી શાળાઓની તરફેણમાં અગાઉ ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદાને પડકારતી ફી નિર્ધારણ સમિતિ તરફથી ગુજરાત સરકાર દ્વારા કરાયેલી સ્પેશ્યલ લિવિ પિટિશનમાં સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ બી.આર.ગવઇ અને જસ્ટિસ કે. વિનોદચંદ્રની ખંડપીઠે વચગાળાના આદેશ મારફતે ખાનગી સ્વનિર્ભર સ્કૂલોની મનમાની અને ઉઘાડી લૂંટ પર રોક લગાવી દીધી છે.

સુપ્રીમકોર્ટના આ હુકમને પગલે રાજયના હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓને બહુ જ મોટી રાહત મળી છે. તો, ખાનગી સ્વનિર્ભર શાળાઓને બહુ મોટી લપડાક પડી છે.સુપ્રીમકોર્ટે એ પણ સ્પષ્ટ ક્રર્યુ હતું કે, વિદ્યાર્થીઓ દ્વારા ચૂકવવામાં આવતી કોઈપણ રકમ અથવા શાળાઓ દ્વારા વસૂલવામાં આવતી કોઈપણ રકમ આ કેસમાં સુપ્રીમકોર્ટના અંતિમ નિર્ણયને આધીન રહેશે. આમ, હવે ખાનગી સ્વનિર્ભર શાળાઓની ઉંચી તગડી ફી વસૂલાતની લૂંટ પર રોક લાગી ગઇ છે.

ફી નિર્ધારણ સમિતિ તરફથી કરાયેલી પિટિશનમાં સુપ્રીમકોર્ટે જુદી જુદી ખાનગી સ્વનિર્ભર શાળાઓ સહિતના પક્ષકારોને નોટિસ જાહેર કરી કેસની વઘુ સુનાવણી આગામી દિવસોમાં રાખી હતી.

રાજયની વિવિધ ખાનગી શાળાઓમાં લીઝ, રેન્ટ, લોન પરનું વ્યાજ તથા અન્ય સંબંધિત ખર્ચાઓ નામંજૂર કરવાના ફી નિર્ધારણ કમીટીના નિર્ણયને રદબાતલ ઠરાવતાં અને ફી નિર્ધારણ કરતી વખતે આ બધી બાબતો ઘ્યાનમાં લેવા સીંગલ જજે નિર્ણય લીધો હતો. જેને ચીફ જસ્ટિસ સુમિતા અગ્રવાલની ખંડપીઠે એપ્રિલ 2024માં યોગ્ય ઠેરવતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

રાજય સરકાર તરફથી કરાયેલી પિટિશનમાં સુપ્રીમકોર્ટનું ઘ્યાન દોરાયું હતું કે, ફી નિર્ધારણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓના વિશાળ હિત અને સ્કૂલોના પણ જે પ્રશ્નો હોય તે ઘ્યાનમાં લીધા બાદ જ કાયદાનુસાર યોગ્ય રીતે ફી નિર્ધારણ કરવામાં આવતી હોય છે, જે નક્કી કરવાની તેને સત્તા છે. ખાનગી સ્કૂલો વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ખોટી રીતે વઘુ પડતી ફી ઉઘરાવી શકે નહી તે કોઇપણ પ્રકારે કાયદાનુસાર ના કહી શકાય.

સીંગલ જજ અને હાઇકોર્ટની ખંડપીઠ દ્વારા અપાયેલા ચુકાદાના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓનું વિશાળ હિત જોખમાયુ છે. આ બાબતો ઘ્યાનમાં રાખી સુપ્રીમકોર્ટે તાત્કાલિક દરમ્યાનગીરી કરી યોગ્ય રાહત આપતો હુકમ કરવો જોઇએ. સરકારપક્ષ તરફથી વઘુમાં જણાાયું કે, સરકારના નીતિ વિષયક નિર્ણયમાં સુપ્રીમકોર્ટની દરમિયાનગીરી જરૂરી બને છે કારણ કે, આ વિશાળ જનહિતનો અને હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંકળાયેલો પ્રશ્ન છે.

વઘુમાં, સીંગલ જજ દ્વારા ફી રેગ્યુલેટરી કમીટી પર લગાવાયેલ અંકુશ અને કમીટી માટે જારી કરાયેલ માર્ગદર્શિકાને પણ પડકારાઇ હતી. આ દલીલો ગ્રાહ્ય રાખી સુપ્રીમકોર્ટે હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહતકર્તા વચગાળાનો આદેશ જારી કર્યો હતો.

રાજયની જુદી જુદી ખાનગી શાળાઓ દ્વારા કરાયેલી અરજીઓમાં જસ્ટિસ ભાર્ગવ ડી.કારીઆએ જૂલાઇ-2022માં ચુકાદો આપતાં ઠરાવ્યું હતું કે, ફી નિયમન કમીટી ખાનગી શાળાઓના સંબંધિત ખર્ચાઓ યોગ્ય કે વાજબી કારણ વિના નકારી શકે નહી.

હાઇકોર્ટે ખાનગી શાળાઓને એડમીશન ફી, સત્ર ફી, કરીકયુલમ ફી અને ટયુશન ફી તેમ જ વિદ્યાર્થીઓને અપાતી સુવિધા બાબતે ફી વસૂલવાની મંજૂરી આપી હતી. ખાનગી શાળાઓમાં લીઝ, રેન્ટ, લોન પરનું વ્યાજ તથા અન્ય સંબંધિત ખર્ચાઓના મુદ્દા ફી નક્કી કરતી વખતે ફી નિયમન કમીટીએ આ બાબતો ઘ્યાનમાં લેવાની રહેશે.

હાઇકોર્ટે ખાનગી શાળાઓના લીઝ, રેન્ટ સહિતના સંબંધિત ખર્ચાઓ નામંજૂર કરવાના ફી રેગ્યુલેટરી કમીટીના હુકમોને રદબાતલ ઠરાવ્યા હતા અને હાઇકોર્ટના આ નવા નિર્દેશોને ઘ્યાનમાં લીધા બાદ નવેસરથી આ તમામ કિસ્સામાં નિર્ણય લેવા હુકમ કર્યો હતો. સીંગલ જજના આ ચુકાદાને હાઇકોર્ટની ખંડપીઠે કાયમ રાખ્યો હતો.





















