
ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળતાં ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતોના મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે. આ બધા વચ્ચે 7 નવેમ્બર, 2025ના રોજ રાજ્ય સરકારે પાક નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે રૂ.10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરી હતી.

જેમાં ખેડૂતોને પાક નુકસાની સામે રાહત મેળવવા માટે સત્તાવાર પોર્ટલ પર 15 દિવસમાં અરજી કરવા જણાવ્યું હતું. આ દરમિયાન નુકસાનગ્રસ્ત ખેડૂતો સહાયથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા અરજી કરવાની સમય મર્યાદા વધારીને આગામી 5 ડિસેમ્બર કરવામાં આવી છે.

પાક નુકસાની સહાય મેળવવા અરજીની સમય મર્યાદા વધારાઈ
ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે અનેક ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું હતું. જેને લઈને સરકારે 10 હજાર કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી હતી. જેમાં નુકસાનગ્રસ્ત ખેડૂતો કૃષિ પેકેજનો લાભ મેળવી શકે તે માટે સત્તાવાર વેબસાઈટ krp.gujarat.gov.in પર 14 નવેમ્બરથી 15 દિવસ માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી હતી.

જોકે આ અવધી પૂરી થવા આવી છે, ત્યારે કોઈ ખેડૂતો સહાયથી વંચિત ન રહી જાય તે માટે અરજી કરવાની સમય મર્યાદામાં 7 દિવસ વધારવામાં આવ્યા છે. આમ રાજ્યમાં હજુ પણ જે નુકસાનગ્રસ્ત ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરવાની બાકી હોય, તેવા તમામ ખેડૂતો આગામી 5 ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકશે.

ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા મળશે
રાજ્ય સરકારે ખેડૂતોના પાક નુકસાન સહાય પેકેજની જાહેરાત કરી છે. કૃષિ મંત્રીએ ખેડૂતો માટેના રાહત પેકેજની વિગતો જાહેર કરતાં જણાવ્યું કે, ‘કમોસમી વરસાદના કારણે રાજ્યના 16,500 ગામોમાં ખેડૂતોને 44 લાખથી વધુ હેક્ટરના વાવેતરમાં નુકસાન થયું છે, જેમાં 9,815 કરોડ રૂપિયાનું પેકેજ છે. જેમાં કોઇપણ ખેડૂત જેને નુકસાન થયું છે તે બાકાત રહેશે નહી. આમ ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા બે હેક્ટરની મર્યાદામાં અપાશે.’



