
ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા ખેતી અને ખેડૂતોના ઉત્થાન માટે ડિજિટલ ક્રાંતિની શરૂઆત કરવામાં આવી છે. ‘એગ્રીસ્ટેક પ્રોજેક્ટ’ (AgriStack) અંતર્ગત હવે દરેક ખેડૂત ખાતેદાર માટે 11 આંકડાનો ‘યુનિક ફાર્મર આઈડી’ બનાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. જો ખેડૂતો આ રજીસ્ટ્રેશન નહીં કરાવે, તો આગામી સમયમાં પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો અટકી શકે તેવી શક્યતા છે.

શું છે ‘ફાર્મર આઈડી’ અને તેનો હેતુ?
જેમ નાગરિકોની ઓળખ માટે ‘આધાર કાર્ડ’ છે, તેમ હવે ખેડૂતોની ડિજિટલ ઓળખ માટે ‘ફાર્મર આઈડી’ તૈયાર કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2024-25 થી અમલી બનેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ખેડૂતોને મળતી સરકારી સહાયમાં પારદર્શિતા લાવવાનો અને વચેટીયાઓને દૂર કરી સીધો લાભ ખેડૂતોના ખાતામાં પહોંચાડવાનો છે.

આ યોજનાઓ માટે આઈડી હશે અનિવાર્ય:
– પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા.
– બિયારણ અને ખાતર પર મળતી સબસીડી.
– પાક વીમો (PMFBY) અને સરકારી ખરીદીના લાભ.

– ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાકીય સહાય.
કઈ રીતે કરાવશો રજીસ્ટ્રેશન?
-ખેડૂત મિત્રો પોતાની સુવિધા મુજબ નીચેની ત્રણ રીતે રજીસ્ટ્રેશન કરાવી શકે છે:
-પોતાના મોબાઈલ દ્વારા: સરકારના સત્તાવાર પોર્ટલ gjfr.agristack.gov.in પર જઈને સેલ્ફ-રજીસ્ટ્રેશન કરી શકાય છે.

-ગ્રામ પંચાયત: જે-તે ગામના VCE/VLE (કોમ્પ્યુટર ઓપરેટર) પાસે જઈને.
-જનસેવા કેન્દ્ર: નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને પણ નોંધણી કરાવી શકાય છે.
જરૂરી દસ્તાવેજો:
રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા પડશે:

-આધાર કાર્ડ.
-આધાર સાથે લિંક થયેલો ચાલુ મોબાઈલ નંબર (OTP માટે).
-જમીનની વિગતો (7/12 અને 8-અ ના ઉતારા).

ખેતીવાડી વિભાગનો અનુરોધ
જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તમામ ખેડૂત ખાતેદારોને અપીલ કરવામાં આવી છે કે, ભવિષ્યમાં કોઈપણ સરકારી સહાય કે હપ્તા મેળવવામાં કોઈ અડચણ ન આવે તે માટે વહેલી તકે ફાર્મર રજીસ્ટ્રેશન પૂર્ણ કરી લેવું. ખાસ કરીને 22મા હપ્તાના લાભાર્થીઓએ આ પ્રક્રિયામાં વિલંબ ન કરવા સૂચના અપાઈ છે.

ફરજિયાત અમલીકરણ
ગુજરાત સરકાર આ બાબતે ખૂબ સક્રિય થઈ છે. 15 ઓક્ટોબર 2024થી ગુજરાતમાં ‘ફાર્મર રજિસ્ટ્રી’ માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2025થી પીએમ કિસાન યોજનામાં નવા નોંધણી કરાવતા ખેડૂતો માટે ‘ફાર્મર આઈડી’ (Farmer ID) હોવું ફરજિયાત બની ગયું છે. સરકારે સંકેત આપ્યા છે કે આગામી સમયમાં જે ખેડૂતો પાસે આ આઈડી નહીં હોય, તેમના પીએમ કિસાનના હપ્તા અટકી શકે છે.









