
વર્તમાન સમયમાં ખેતી માત્ર વાવણી અને લણણી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે વિજ્ઞાન અને વ્યવસ્થાપનનો સુમેળ છે. સરકાર દ્વારા પણ કૃષિમાં વૈજ્ઞાનિક અભિગમને મહત્વ આપવામાં આવી રહ્યું છે, ત્યારે મોરબી જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી ડો. એચ. ડી. ઝીંઝુવાડીયાએ દૂરદર્શનના ‘કૃષિ દર્શન’ કાર્યક્રમમાં શિયાળુ પાકોમાં મધમાખીના મહત્વ વિશે વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

પાક ઉત્પાદન વધારવાના અદ્રશ્ય પરિબળ વિષે ડો. ઝીંઝુવાડીયાએ જણાવ્યું કે, પાક ઉત્પાદનમાં ‘પરાગનયન’ એક પાયાની પ્રક્રિયા છે. મધમાખી તેના શરીર પરની કુદરતી રૂંવાટી દ્વારા પરાગરજનું જે વહન કરે છે, તે અન્ય કીટકો કરતા અનેકગણું કાર્યક્ષમ છે. આ આકસ્મિક લાગતી ક્રિયા ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. વિશેષ અભ્યાસની આંકડાકીય વિગતો મુજબ, મધમાખી દ્વારા થતા પરાગનયનથી ધાણાના પાકમાં ૨૫% થી ૧૨૨%, રાઈ/સરસવના પાકમાં ૪૩% થી ૧૫૯%, સૂર્યમુખીના પાકમાં ૩૨% થી ૧૫૫%, વરીયાળીના પાકમાં ૪૫% જેટલો ઉત્પાદન વધારો નોંધાયો છે.

ભારતમાં જોવા મળતી ભમરિયું, ડાળી અને ભારતીય મધમાખી પૈકી ઇટાલિયન મધમાખી (Apis mellifera) વ્યાપારી ઉછેર માટે શ્રેષ્ઠ છે. આ જાતિ પોતાની વસાહત વારંવાર બદલતી નથી અને વર્ષમાં એક પેટીમાંથી સરેરાશ ૩૦ થી ૭૦ કિલો જેટલું ગુણવત્તાયુક્ત મધ આપે છે. મધ ઉપરાંત મીણ, પ્રોપોલીસ અને રોયલ જેલી જેવા ઉપ-ઉત્પાદનો ખેડૂતો માટે આવકનું વધારાનું સાધન બને છે. શિયાળાની ઋતુમાં જ્યારે તાપમાન ઘટે છે ત્યારે મધમાખીની કાર્યક્ષમતા ઘટે છે. આવા સમયે મધમાખીને બચાવવા ૧૦% ખાંડની ચાસણીનો કૃત્રિમ ખોરાક આપવો, મધપેટીમાં ભેજનું પ્રમાણ ઘટાડવા રાત્રે કંતાનનો ઉપયોગ કરવો તથા જંતુનાશક દવાઓનો છંટકાવ ફૂલ ખીલવાના સમયે ટાળવો અને જો અનિવાર્ય હોય તો વહેલી સવારે અથવા મોડી સાંજે કરવો જ્યારે મધમાખીની અવરજવર ઓછી હોય જેવી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

ખેડૂતો આ વ્યવસાય તરફ વળે તે માટે સરકાર દ્વારા મજબૂત આર્થિક પીઠબળ પૂરું પાડવામાં આવે છે. વ્યક્તિગત ખેડૂતો માટે મધમાખી કોલોની અને હાઇવ માટે ખર્ચના ૫૫% થી ૬૫% સુધીની સહાય આપવામાં આવે છે. ઉપરાંત ગ્રુપ/FPO માટે ‘મિશન મધમાખી’ અંતર્ગત ૭૫% સુધીની જંગી સહાય અને પ્રોસેસિંગ યુનિટ માટે ૨૫ થી ૫૦ લાખ સુધીની સબસિડીની જોગવાઈ છે. વધુ માહિતી માટે આઈ-ખેડૂત (www.ikhedut.gujarat.gov.in) પોર્ટલ અથવા નજીકની બાગાયત કચેરીનો સંપર્ક કરવો.

જો ખેડૂતો ખેતીની સાથે મધમાખી ઉછેરને અપનાવે, તો તે માત્ર પર્યાવરણની જાળવણી જ નહીં પરંતુ ખેડૂતના આર્થિક ઉત્થાન માટે ‘મધુર’ પરિણામો લાવશે. કૃષિ અને મધમાખી પાલનનો આ સમન્વય ‘આત્મનિર્ભર કૃષિ’ના સ્વપ્નને સાકાર કરવા માટે અત્યંત આવશ્યક છે. મધમાખી પાલન એ ‘ઓછા ખર્ચે વધુ નફો’ મેળવવાની શ્રેષ્ઠ ટેકનિક છે. સરકારનું પીઠબળ અને વૈજ્ઞાનિક સમજનો ઉપયોગ કરીને જો ગુજરાતનો ખેડૂત ‘મધુર ક્રાંતિ’ (Sweet Revolution) તરફ વળે, તો ખેતી ખરેખર નફાકારક વ્યવસાય બની રહેશે. ડો. ઝીંઝુવાડીયાનું માહિતીનું આદાન-પ્રદાન પરંપરાગત ખેતીમાંથી બહાર આવી આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી અપનાવવા માટે પ્રેરણા પૂરી પાડે છે.






















