
ભોપાલમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે BEML (ભારત અર્થ મૂવર્સ લિમિટેડ)ની નવી રેલ કોચ ફેક્ટરીનું ભૂમિ પૂજન કરતા સમયે કહ્યું કે, ભારત દુનિયાનો સૌથી ઝડપી વિકાસ કરનારો દેશ છે, જે અમુક લોકોને પસંદ નથી આવી રહ્યું.

તેમણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા આંતકવાદીઓને જડબાતોડ જવાબ આપવાની વાત કહી અને મધ્ય પ્રદેશને ‘મૉર્ડન પ્રદેશ’ જણાવ્યું. ફેક્ટરી વિશે વાત કરતા તેમણે કહ્યું કે, નવી ફેક્ટરી 1800 કરોડ રૂપિયાના રોકાણથી બનશે અને વંદે ભારત જેવા કોચ દેશના પરિવહન ક્ષેત્રને નવી તેજી આપશે.

ભારત દુનિયાનો સૌથી ઝડપી વિકાસ કરનારો દેશ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ‘દુનિયાનો સૌથી તેજ વિકાસ કરનારો દેશ ભારત છે. અમુક લોકોને ભારતનો વિકાસથી ઈર્ષ્યા થાય છે. ખુદને દુનિયાનો બૉસ સમજી બેઠા છે. તેમને સમજ નથી પડી રહી કે, ભારત કેવી રીતે આટલું ઝડપથી આગળ વધી રહ્યું છે.

ઘણાં લોકો દ્વારા એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, ભારતમાં ભારતના લોકો દ્વારા જે વસ્તુ બનાવવામાં આવી રહી છે, તે કોઈ બીજા દેશમાં જાય તો તેમના દેશમાં બનતી વસ્તુઓ કરતા મોંઘી થઈ જાય જેથી દુનિયાના લોકો તેને ખરીદે જ નહીં. પરંતુ ભારત આજે જે ઝડપે આગળ વધી રહ્યું છે, એક દિવસ ભારત દુનિયાની સૌથી મોટી શક્તિ બનીને રહેશે.’

પહલગામ હુમલા વિશે શું કહ્યું?
તેમણે કહ્યું કે, ‘જ્યાં સુધી સંરક્ષણ ક્ષેત્રની વાત છે, તમને એ જાણીને ખુશી થશે કે, હવે આપણે 24 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની સંરક્ષણ વસ્તુઓનો નિકાસ કરી રહ્યા છીએ. આ ભારતની તાકાત છે, આ નવા ભારતનું નવું સંરક્ષણ ક્ષેત્ર છે અને નિકાસ નિરંતર વધી રહી છે.’ ઓપરેશન સિંદૂર વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ‘આતંકવાદીઓએ પહલગામમાં પ્રવાસીઓને ધર્મ પૂછીને માર્યા પરંતુ, ભારતે આતંકીઓને કર્મ જોઈને જવાબ આપ્યો.’

આ સિવાય સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, મધ્ય પ્રદેશમાં આજે BEML (ભારત અર્થ મૂવર્સ લિમિટેડ)નો નવો રેલ કોચ ફેક્ટરીના ભૂમિ પૂજનથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળશે. આ યોજનામાં લગભગ 1800 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે અને આવનારા બે વર્ષોમાં ફેક્ટરીનું નિર્માણ કાર્ય પૂરૂ કરવામાં આવશે. અહીં ફક્ત રેલ ડબ્બાનું નિર્માણ નહીં થાય, પરંતુ રેલવેના અન્ય ઉત્પાદનો પણ તૈયાર કરવામાં આવશે.

મધ્ય પ્રદેશ બન્યું મૉર્ડન પ્રદેશ
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ભલે ઔદ્યોગિક વિકાસ હોય, સામાજિક વિકાસ હોય કે સાંસ્કૃતિક અને ધાર્મિક પુનરુત્થાન, જ્યારે તેની કમાન મોહનજી જેવા કર્મનિષ્ઠ અને સમર્પિત વ્યકિતના હાથમાં હોય ત્યારે કંઈ કહેવાની જરૂર નથી રહેતી. તમારા નવા-નવા વિચાર અને કાર્યશૈલીના કારણે હું કહી શકું છું કે, મધ્ય પ્રદેશ મૉર્ડન પ્રદેશ બની ગયું છે.















