
: વોટ્સએપનો ઉપયોગ દુનિયાભરમાં સૌથી વધુ કરવામાં આવે છે. માર્કેટમાં ઘણી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ ઉપલબ્ધ છે, પરંતુ તેમ છતાં વોટ્સએપનો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવે છે. આ પ્લેટફોર્મ પર વધુ યુઝર્સ હોવાથી એના પર છેતરપિંડી કરવા માટેની વધુ તક સ્કેમર્સને મળે છે. આથી તેઓ ખૂબ જ સરળતાથી યુઝર્સને ટાર્ગેટ કરે છે અને તેમની સાથે છેતરપિંડી કરે છે. આ સ્કેમ માટે તેઓ ઘણાં નવા-નવા ઉપાયો શોધતા રહે છે. હાલમાં તેઓ કમિશનની લાલચ આપી ભાડા પર વોટ્સએપ લઈને સ્કેમ કરી રહ્યાં છે.

શું છે આ સ્કેમ?
વોટ્સએપ પર હાલમાં મ્યુલ એકાઉન્ટ સ્કેમ ચાલી રહ્યો છે. એક વાર આ શબ્દ વાંચીને નવાઈ જરૂર લાગશે કે આ શું છે, પરંતુ આ એક પ્રકારનો સ્કેમ છે જે ફક્ત ભારતમાં નહીં, પરંતુ દુનિયાભરમાં હાલમાં ચાલી રહ્યો છે. એનો ઉપયોગ કરીને આજકાલ યુઝર્સને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. આ પ્રકારના સ્કેમમાં યુઝર્સને તેમના એકાઉન્ટને ભાડા પર આપવા માટે લોભાવવામાં આવે છે. ઘર, ઓફિસ, દુકાન અને કાર જે રીતે ભાડા પર આપવામાં આવે છે એ જ રીતે વોટ્સએપ એકાઉન્ટ પણ ભાડા પર આપવામાં આવે છે.

સ્કેમ માટે ઉપયોગ કરવામાં આવે છે એકાઉન્ટ
યુઝર્સને લોભામણી સ્કીમ અને ઓફર તેમજ કમિશનની લાલચ આપીને તેમનું એકાઉન્ટ ભાડે લઈ લેવામાં આવે છે. આ એકાઉન્ટનો ઉપયોગ ત્યાર બાદ ખોટા કામ માટે કરવામાં આવે છે. આ એકાઉન્ટ દ્વારા પૈસાની લેવડ-દેવડ પણ ખૂબ જ સરળતાથી થઈ શકે છે. આ માટે જે-તે વ્યક્તિને કમિશન પણ મળશે એવી લાલચ આપવામાં આવે છે.

કેવી રીતે કરવામાં આવે છે સ્કેમ?
સ્કેમ કરનારની લાલચમાં કોઈ પણ યુઝર આવી ગયો તો તેમની પાસેથી પહેલા એકાઉન્ટ લઈ લેવામાં આવે છે. ત્યાર બાદ એ એકાઉન્ટને હેક કરવામાં આવે છે. આ એકાઉન્ટ હેક કર્યા બાદ એનો ઉપયોગ અન્ય યુઝર્સને ટાર્ગેટ કરવા માટે કરવામાં આવે છે. તેમને લોન રિક્વેસ્ટ, ફ્રોડ લિંક અને અન્ય સ્કેમ દ્વારા ફસાવવાની કોશિશ કરવામાં આવે છે. સરકાર દ્વારા હવે આ પ્રકારના નંબરને બ્લોક કરવામાં આવી રહ્યાં છે. આથી સ્કેમ કરનાર અન્ય વ્યક્તિનું એકાઉન્ટ ભાડે લઈને આ પ્રકારના કામ કરે છે.

વોટ્સએપ હંમેશાં માટે કરી શકે છે બેન
કોઈ યુઝરની છેતરપિંડી કરવામાં આવી અને એમાં જે-તે નંબર સામે રિપોર્ટ કરવામાં આવ્યો તો એના પર કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. પોલીસ તેમને પૂછપરછ કરી શકે છે અને જો તેઓ સજાને પાત્ર હોય તો એ પણ કરી શકે છે. જો વોટ્સએપને લાગ્યું તો આ નંબરને હંમેશાં માટે બેન પણ કરી શકે છે. આ સાથે જ સ્કેમ કરનાર પાસે યુઝર્સની પર્સનલ ચેટ, કોન્ટેક્ટ અને ફોટો અથવા તો વીડિયો પણ આવી શકે છે.

કેવી રીતે એનાથી બચીને રહેશો?
આ માટે કોઈ પણ વ્યક્તિ લોભામણી ઓફર અથવા તો કમિશન આપે એનાથી બચીને રહેવું. તેમની જાળમાં ફસાવવું નહીં. આ સાથે જ જો કોઈ પણ વ્યક્તિ દ્વારા QR કોડને સ્કેન કરવા માટે કહેવામાં આવે તો એનાથી દૂર રહેવું. આ માટે હંમેશાં ટૂ-સ્ટેપ વેરિફિકેશન ચાલુ રાખવું. વોટ્સએપના સેટિંગ્સમાં લિંક ડિવાઈસમાં કોઈ પણ ડિવાઈસનું સેશન ચાલુ નથી ને એ ચેક કરતાં રહેવું. જો એ હોય તો એને તરત જ ડિસકનેક્ટ કરી દેવું.











