
રક્ષા મંત્રી રાજનાથ સિંહે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે શાંતિનો સમય એક ‘ભ્રમ’ (illusion) સિવાય કંઈ નથી. ભારતે હંમેશા અનિશ્ચિતતાઓ માટે તૈયાર રહેવું જોઈએ, ભલે પરિસ્થિતિ ગમે તેટલી શાંત કેમ ન લાગે. આ ઉપરાંત તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાની હિંમત અને બહાદુરીની પ્રશંસા કરી. એક કાર્યક્રમને સંબોધતા સિંહે કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન સ્વદેશી રીતે બનાવેલા હથિયારો અને લશ્કરી પ્લેટફોર્મનું પ્રદર્શન ખૂબ સારું હતું. આ કારણે વિશ્વભરમાં ભારતના રક્ષા ઉત્પાદનોની માંગ વધી છે.

રક્ષા મંત્રીએ એમ પણ કહ્યું કે, નાણાકીય પ્રક્રિયામાં થોડો વિલંબ કે ભૂલ પણ ઓપરેશનલ તૈયારીઓને અસર કરી શકે છે. આજે આખી દુનિયા ભારતના રક્ષા ક્ષેત્રને નવા દ્રષ્ટિકોણ અને સન્માનથી જોઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, ‘મોટાભાગના ઉપકરણ જે આપણે પહેલાં આયાત કરતા હતા, હવે ભારતમાં બનાવવામાં આવી રહ્યા છે. અમારા સુધારા ઉચ્ચતમ સ્તર પર સ્પષ્ટ દ્રષ્ટિકોણ અને પ્રતિબદ્ધતાને કારણે સફળ થઈ રહ્યા છે.’

રક્ષા મંત્રી ડિફેન્સ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ (DAD)ના કંટ્રોલર્સના કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, “નાણાકીય પ્રક્રિયાઓમાં એક પણ વિલંબ અથવા ભૂલ ઓપરેશનલ તૈયારીઓને સીધી અસર કરી શકે છે.” તેમણે DADને રક્ષામાં ખાનગી ક્ષેત્રની વધતી જતી ભાગીદારીની સાથે તાલમેલમાં કંટ્રોલરથી ફેસિલિટેટરના રૂપમાં વિકસિત થવાની હાકલ કરી.

જિયો પોલિટિકલ સિચ્યુએશન પર પ્રકાશ પાડતા રક્ષા મંત્રીએ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વિશ્લેષણનો હવાલો આપીને કહ્યું કે, 2024માં Global Military Expenditure 2.7 ટ્રિલિયન યુએસ ડોલર સુધી પહોંચશે. તેમણે કહ્યું કે, આ ભારતના સ્વદેશી રક્ષા ઉદ્યોગો માટે જબરદસ્ત તકો ખોલે છે. રક્ષા મંત્રીએ રક્ષા વિભાગના નવા સૂત્ર ‘સર્તક, ચુસ્ત, અનુકૂલટ’ ની પ્રશંસા કરી અને કહ્યું કે, આ ફક્ત શબ્દો નથી, પરંતુ આજના ઝડપથી વિકસતા રક્ષા વાતાવરણમાં જરૂરી કાર્ય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે.

તેમણે કહ્યું કે, ‘તાજેતર સુધી રક્ષા બજેટને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાનો ભાગ માનવામાં આવતો ન હતો. આજે તે વિકાસના ચાલક છે.’ સિંહે કહ્યું કે, ભારત બાકીના દુનિયા સાથે પુનઃશસ્ત્રીકરણના એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે, જેની વિશેષતા રક્ષા ક્ષેત્રમાં મૂડી-સઘન રોકાણો છે. રક્ષા મંત્રીએ રક્ષા વિભાગથી આગ્રહ કર્યો કે, તે પોતાની યોજના અને મૂલ્યાંકનમાં રક્ષા અર્થશાસ્ત્રનો સમાવેશ કરે, જેમાં સંશોધન અને વિકાસ પ્રોજેક્ટ્સ અને દ્વિ-ઉપયોગ તકનીકોના સામાજિક અસર વિશ્લેષણનો સમાવેશ થાય છે.

નીતિન ગડકરીનું નિવેદન: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિશ્વ યુદ્ધ વિશે મોટી ચેતવણી આપી છે. એક પુસ્તકના વિમોચન દરમિયાન પોતાના સંબોધનમાં માર્ગ અને પરિવહન મંત્રી ગડકરીએ કહ્યું કે, ‘ભારત ભગવાન બુદ્ધની ભૂમિ છે, જે સત્ય, અહિંસા અને શાંતિનો સંદેશ આપે છે. તેથી, આપણે વિશ્વમાં બની રહેલી ઘટનાઓને જોઈને ભવિષ્યની નીતિઓ પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.’ તેમણે ચેતવણી આપી હતી કે, યુદ્ધોને કારણે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે વિશ્વ યુદ્ધ ગમે ત્યારે શરૂ થઈ શકે છે.























