કોરિયન ‘લવ ગેમ’ ની લતે લીધો ભોગ? માતા-પિતા માટે લાલબત્તીરૂપ કિસ્સો

ગાઝિયાબાદમાં 2026ની 4 ફેબ્રુઆરીએ ખૂબ જ દુઃખદ ઘટના બની હતી. ત્રણ ટીનએજ બહેનો નિશિકા (16), પ્રાચી (14) અને પાક્હી (12) દ્વારા ભારત સિટી એપાર્ટમેન્ટના નવમી માળ પરથી કૂદીને સુસાઇડ કર્યું હતું. આ ઘટના રાત્રે લગભગ 2 વાગ્યે બની હતી અને દેશ આઘાત તથા શોકમાં છે. આ પાછળનું કારણ આ ત્રણેય બહેનો “કોરિયન લવર” નામની ઑનલાઇન ગેમ રમતી હતી. આ ગેમનો અંતિમ કાર્ય આત્મહત્યા કરવાનું હોવાનું કહેવાય છે. ગેમના કારણે ત્રણ બહેનોએ જીવ ગુમાવ્યો હોવાથી લોકોને ખૂબ જ શોક લાગ્યો છે.

એક કાળી રાત

આ બહેનોને તરત જ લોની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમના ઘરમાંથી પોલીસને આઠ પાનાનું સુસાઇડ નોટ મળ્યું હતું જેની શરૂઆત “સોરી, પાપા” શબ્દોથી શરૂ થાય છે. આ સાથે જ એક ડાયરી પણ મળી, જેમાં ફેમિલી માટે લખવામાં આવ્યું હતું કે “અહીં લખેલું બધું સાચું છે.” સુસાઇડ નોટ અને ડાયરી બન્નેમાં “કોરિયન લવર” ગેમનો ઉલ્લેખ હતો. તેમ જ કોરિયન કલ્ચર પ્રત્યેની તેમની દીવાનગી એમાં જોવા મળતી હતી. તેમની આ દીવાનગી તેમના માનસિક દબાણનું ગંભીર કારણ છે.

દીવાનગીને કારણે ગેમ માનસિક રીતે હાવી થઈ

“કોરિયન લવર” ગેમને ટાસ્ક આધારિત ઇન્ટરેક્ટિવ એપ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ખેલાડીઓ વર્ચ્યુઅલ રોમેન્ટિક પાર્ટનર સાથે જોડાય છે. જાણીતી “બ્લુ વ્હેલ ચેલેન્જ” જેવી જ આ ગેમ છે જેમાં પણ સમય સાથે કાર્યો વધતા જાય છે અને અંતિમ કાર્ય આત્મહત્યા કરવાનું કહેવાય છે. તપાસ બાદ સામે આવ્યું કે આ ત્રણેય બહેનો પોતાને કોરિયન રાજકુમારી તરીકે માનવા લાગી હતી. તેઓ પોતાની સાચી ઓળખથી દૂર થઈ ગઈ હતી અને ગેમની વાર્તા સાથે ભાવનાત્મક રીતે બંધાઈ ગઈ હતી. આ કારણસર તેમના દિમાગ પર એની અસર જોવા મળી હતી.

તેમની ડાયરીમાં લખાણ હતું કે તેઓએ કોરિયન નામ અને ઓળખ અપનાવી હતી. કોરિયન ડ્રામા, સંગીત અને ઑનલાઇન સમુદાયો પ્રત્યેની તેમની પસંદગીને કારણે તેમના પર આ ગેમ માનસિક રીતે હાવી થઈ ગઈ હતી.

બ્લુ વ્હેલ ચેલેન્જની ગુંજ

ગાઝિયાબાદની આ દુર્ઘટના “બ્લુ વ્હેલ ચેલેન્જ” સાથે ઘણી સમાનતા ધરાવે છે. 2016–2017 દરમિયાન વિશ્વભરમાં ફેલાયેલી આ ઘાતક ઑનલાઇન ચેલેન્જમાં ઘણાં લોકોને જોખમી કાર્યો કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. એમાં પોતાને નુકસાન પહોંચાડવાની સાથે એકલતા અપનાવવી અને અંતે આત્મહત્યા કરવા કહેવામાં આવતું હતું. આ ગેમ અનેક આત્મહત્યાઓ સાથે જોડાયેલી હતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિરોધ થયો હતો, જેના કારણે સરકારે કાર્યવાહી કરી અને જાગૃતિ અભિયાન શરૂ કર્યા હતા.

બ્લુ વ્હેલની જેમ જ, “કોરિયન લવર” ગેમ પણ કિશોરોની નબળાઈનો લાભ લેતી જણાય છે. માનસિક રીતે તેમના પર હાવી થઈ જાય છે અને વધતા કાર્યો દ્વારા ખેલાડીઓને તેમના જીવનનો અંત કરવા તરફ ધકેલે છે. બંને કેસ દર્શાવે છે કે ડિજિટલ પ્લેટફોર્મ્સ માનસિક રીતે ખૂબ જ અસર કરે છે અને મનોરંજનને જીવનનો અંત પણ બનાવી શકે છે.

અન્ય ઑનલાઇન ચેલેન્જ

2018માં એક કિકી ચેલેન્જ સામે આવી હતી. આ ટ્રેન્ડમાં યુઝર્સ તેમની કારને ધીમે ચલાવતા જોવા મળે છે અને ત્યાર બાદ એમાંથી બહાર આવીને રસ્તા પર ડાન્સ કરે છે અને કાર ઓટોમેટિક ધીમે ધીમે ચાલે છે. આ ચેલેન્જ ખૂબ જ વાઇરલ થઈ હતી અને એને કારણે ખૂબ જ અકસ્માત પણ થયા હતા. ત્યાર બાદ સરકાર દ્વારા એ ન કરવા માટે લોકોને વિનંતી કરવામાં આવી હતી. આ ટ્રેન્ડને કોમેડિયન શિગી દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.

આ જ વર્ષે એક મોમો ચેલેન્જ પણ આવી હતી. આ ટ્રેન્ડમાં એક વ્યક્તિ બાળકોને પરેશાન કરે છે જેનું નામ મોમો હોય છે. આ ટ્રેન્ડમાં પણ કામ પૂરા કરવા માટેનો ટાસ્ક આપવામાં આવતો હતો. એમાં પોતાને નુકસાન કરવા માટેની ચેલેન્જ પણ આવતી હતી. આ ચેલેન્જમાં કોઈને નુકસાન થયું હોય એવો કેસ સામે નહોતો આવ્યો, પરંતુ પોલીસ દ્વારા લોકોને એનાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.

કલ્ચર પ્રત્યેની દીવાનગીને લઈને પરિવાર આઘાતમાં

ત્રણેય બહેનોના માતા-પિતાએ અધિકારીઓને જણાવ્યું કે તેઓ આ ગેમને નિર્દોષ માની રહ્યા હતા. તેઓ ખૂબ જ ગેમ રમી રહ્યાં હોવાથી હાલમાં જ તેમણે દીકરીઓના મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા પર પણ થોડી રોક લગાવી હતી. આ માટે તેઓ દુઃખી પણ થઈ હતી. કોરિયન મનોરંજન પ્રત્યેની તેમની દીવાનગી પહેલેથી જ તેમની વિચારસરણીમાં આવી ગઈ હતી. આ કારણસર તેઓ પોતાને કોરિયન પ્રિન્સેસ સમજી રહ્યાં હતાં અને તેમની માનસિક સમજશક્તિ ઓછી થતી ગઈ હતી.

એક્સપર્ટ દ્વારા ઉઠાવવામાં આવ્યા સવાલ

મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલા એક્સપર્ટ ચેતવણી આપે છે કે આવી ગેમ્સ યુવાનોની માનસિકતાની નબળાઈને શિકાર બનાવે છે. આ ગેમ્સ રમતા તેઓ ગેમ પર નિર્ભર થઈ જાય છે અને વાસ્તવિકતાથી દૂર થઈ જાય છે. ત્યાર બાદ આ ગેમ ધીમે ધીમે બાળકોને ખૂબ જ ખતરનાક પગલાં ભરવા માટે દબાણ કરે છે. આથી એક્સપર્ટ દ્વારા માતા-પિતાને તેમના બાળકો પર દેખરેખ રાખવા માટે વિનંતી કરે છે. તેમ જ સરકારને ડિજિટલ સાક્ષરતા અને માનસિક આરોગ્ય સહાય ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત પર જોર મૂકે છે.

ગેમને લઈને તપાસ શરૂ

આ માટે અધિકારીઓ હવે “કોરિયન લવર” ગેમની શરૂઆત અને તેના ડેવલપર્સ અને આંતરરાષ્ટ્રીય ઑનલાઇન નેટવર્ક્સ સાથેના સંબંધોની તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસ ફરીથી ઑનલાઇન ગેમ્સના નિયમ અને ટેક પ્લેટફોર્મ્સની જવાબદારી અંગે ચર્ચા શરૂ કરી છે. બાળકો સુધી હાનિકારક કન્ટેન્ટ ન પહોંચે એ જે-તે પ્લેટફોર્મ અને સરકાર બન્નેની જવાબદારી છે અને એમાં હવે ઢીલમ-ઢાલમ જોવા મળી રહી છે.

બાળકો માટે ખતરાની ઘંટી

નિશિકા, પ્રાચી અને પાક્હીનું મૃત્યુ એ વાતની પુષ્ટિ કરે છે કે ડિજિટલ જગતમાં ખૂબ જ જોખમો છે અને એના પર કોઈ નિયંત્રણ નથી. બ્લુ વ્હેલ ચેલેન્જે લગભગ એક દાયકા પહેલાં આવી હતી અને સરકારો અને સમાજને ઑનલાઇન ગેમિંગના અંધકારમય પાસાંનો સામનો કરવા મજબૂર કર્યા હતા. તેમ છતાં દસ વર્ષ બાદ એ પ્રકારની અન્ય ગેમ આવી અને ગાઝિયાબાદની ત્રણ દીકરીઓએ જીવ ગુમાવવો પડ્યો. આ ઘટના આજે ફરીથી ચેતવણી આપે છે કે બાળકોને સુરક્ષિત રાખવા માટે સતર્કતા, જાગૃતિ અને કડક નિયમો બનાવવાની ખૂબ જ જરૂર છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
error: Content is protected !!