HomeAllકચ્છમાં મેઘમહેર: ભુજ સહિત અન્ય શહેરોમાં ધોધમાર વરસાદ, રાપર બન્યું જળમગ્ન

કચ્છમાં મેઘમહેર: ભુજ સહિત અન્ય શહેરોમાં ધોધમાર વરસાદ, રાપર બન્યું જળમગ્ન

અષાઢ મહિનો શરૂ થવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. સમગ્ર રાજ્યમાં આજે અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રને મેઘરાજાએ ધમરોળ્યું છે, ત્યારે રાજ્યની સાથે-સાથે કચ્છમાં આજે સતત બીજા દિવસે ધીંગી મેઘસવારી આવી પહોંચી હતી.

લાંબા સમયથી અકળાવનારા આકરા ઉકળાટ-તાપથી ત્રસ્ત બની ગયેલા કચ્છીઓ માટે અપર-એર સર્ક્યુલેશન જાણે શુકનિયાળ સાબિત થયું હતું અને પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાતાં ખેડૂતોએ હવે વાવણી કાર્ય શરૂ કરી દીધું છે.

અત્યારસુધીમાં કોરા ધાકોર રહેલા ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે બપોર બાદ ધીમીધારે વરસી રહેલા વરસાદે હાજરી પૂરાવી હતી. આ લખાઈ રહ્યું છે ત્યારે મેઘાડંબર છવાયેલો હોઈ સચરાચર વરસાદ વરસવાની આશા શહેરીજનોમાં જીવંત બની છે.

ભુજ ઉપરાંત તાલુકાના માનકૂવામાં પણ બપોરે જોરદાર વરસાદી હેલીની પધરામણી થતાં અહીંના માર્ગો ભીના બની જવા પામ્યા છે. નખત્રાણા ખાતે આજે વરસાદી ઝાપટાં નોંધાયાં છે.

દેશલપર (વાંઢાય)માં માત્ર અડધા કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. કચ્છના સૌથી ઊંચા ધીણોધરના ડુંગર અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ થઇ જતાં આગામી શ્રાવણી તહેવારો સુધી કચ્છના ધીણોધર, ભુજના ભુજિયા ડુંગર, ટપકેશ્વરીની હારમાળાઓ, લીલા વાઘા ધારણ કરી લેશે.

રાપર શહેર જળબંબાકાર

નખત્રાણા, ભુજ ઉપરાંત સીમાને અડકીને આવેલા રાપર તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. શનિવારની રાતથી શરૂ થયેલો વરસાદ આજે બરકરાર રહેવા પામ્યો છે અને ચાર ઇંચથી વધારે પાણી વરસતાં રાપર શહેર જળમગ્ન બન્યું છે.

તાલુકાના બાલાસર, આડેસર, ખડીર, પ્રાંથળ, રામવાવ, ખેંગારપર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ત્રણેક ઇંચ વરસાદ થતાં વાગડવાસીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!