
સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે લોકોને અમારા ચુકાદાઓની ટીકા કરવાનો અધિકાર છે. સર્વોચ્ચ અદાલતે એનસીઈઆરટી (NCERT) ના 8મા ધોરણના જૂના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાંથી અદાલતી ચુકાદાઓ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીને હટાવવાની માંગ સાથે દાખલ કરવામાં આવેલી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરતાં આ ટિપ્પણી કરી હતી.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને વિપુલ એમ. પંચોલીની ખંડપીઠે કહ્યું કે કોઈ ચુકાદા વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવો ખોટું નથી. મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સૂર્યકાંતે જણાવ્યું કે, આ કોઈ ચુકાદા વિશેનો એક અભિપ્રાય છે. આ એક તંદુરસ્ત ટીકા છે.

ન્યાયતંત્રએ આ બાબતે આટલું બધું સંવેદનશીલ કેમ થવું જોઈએ? પુસ્તકનો આ ભાગ જણાવે છે કે ન્યાયતંત્રનું માળખું કેવું છે, તેઓ કેવી રીતે કાર્ય કરે છે અને શું-શું કર્યું છે?’ સીજેઆઈ એ વધુમાં કહ્યું કે, તેમાં તેમના કેટલાક સારા કાર્યોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જોકે, કેટલાક એવા અદાલતી ચુકાદાઓ પણ છે જેના વિશે લોકોનું માનવું છે કે તે સામાન્ય લોકોના શ્રેષ્ઠ હિતોની વિરુદ્ધ કામ કરે છે… આ કોઈ ચુકાદા વિશેનો એક દ્રષ્ટિકોણ છે, લોકોને અમારા ચુકાદાઓની ટીકા કરવાનો અધિકાર છે.’

એનસીઈઆરટીના પૂર્વ સભ્ય ડો. પંકજ પુષ્કર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આઠમાં ધોરણનાં જૂના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં લખાયેલી એ ટિપ્પણી પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે તાજેતરનાં ચુકાદામાં ઝૂંપડપટ્ટીમાં રહેનારાઓને શહેરમાં અતિક્રમણ કરનારા માનવામાં આવે છે.

કેન્દ્ર સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તેણે એનસીઈઆરટીના પુસ્તકમાં ન્યાયતંત્ર સાથે જોડાયેલા પાઠ્યની સમીક્ષા માટે એક નિષ્ણાત સમિતિ બનાવી છે. સરકારે જણાવ્યું છે કે નિષ્ણાત સમિતિમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા, ભારતના પૂર્વ એટર્ની જનરલ અને વરિષ્ઠ એડવોકેટ કે.કે. વેણુગોપાલ અને ભોપાલ સ્થિત નેશનલ જ્યુડિશિયલ એકેડમીના ડાયરેક્ટર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ અનિદ્ધ બોઝ સામેલ હશે.
















