
માર્ચ મહિનાની પહેલી તારીખથી દેશમાં ઘણા મોટા બદલાવ અમલમાં આવ્યા છે. આ બદલાવ તમારા ઘરમાં વપરાતા LPG સિલિન્ડરથી લઈને ટ્રેનમાં મુસાફરી સુધી સંબંધિત છે.

ફેબ્રુઆરી મહિનો પૂરો થયા પછી માર્ચ 2026ની શરૂઆત સાથે દેશમાં ઘણા મોટા નિયમોમાં ફેરફાર લાગુ થયા છે. આ ફેરફારની અસર સીધી સામાન્ય લોકોના ખર્ચ પર પડશે. એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે અને હવાઈ ઈંધણ (એવિએશન ફ્યુઅલ) પણ મોંઘું થયું છે. આ સિવાય ભારતીય રેલ્વેના કેટલાક નિયમોમાં ફેરફાર થયા છે તેમજ સિમ કાર્ડ સંબંધિત નિયમોમાં પણ બદલાવ લાગુ થયા છે. એટલે કે આ ફેરફારોનો અસર ઘરખર્ચથી લઈને મુસાફરી અને મોબાઈલ વપરાશ સુધી જોવા મળશે.

માર્ચની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો છે. દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 28 રૂપિયા મોંઘો થયો છે, જ્યારે અન્ય મોટા શહેરોમાં તેનો ભાવ આશરે 31 રૂપિયા સુધી વધ્યો છે. અગાઉ 1 ફેબ્રુઆરીએ પણ 19 કિલો વજનના સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો થયો હતો. હવે ફરી એકવાર ભાવ વધતા સામાન્ય લોકોને મોંઘવારીનો ઝાટકો લાગ્યો છે.

કેટલો થયો ભાવ વધારો?
નવી કિંમતો મુજબ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 1740.50 રૂપિયાથી વધીને 1768.50 રૂપિયા થયો છે. કોલકાતામાં તે 1844.50 રૂપિયાથી વધીને 1875.50 રૂપિયા થયો છે જ્યારે મુંબઈમાં 1692 રૂપિયાની જગ્યાએ હવે 1720.50 રૂપિયા ચૂકવવા પડશે. ચેન્નાઈમાં 1899.50 રૂપિયાનો મળતો સિલિન્ડર હવે 1929 રૂપિયાનો થયો છે. બીજી તરફ 14 કિલોના ઘરેલુ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 8 એપ્રિલ 2025 પછી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

એરવેની મુસાફરીને ઝટકો
માર્ચની પહેલી તારીખે એલપીજી સિવાય હવાઈ મુસાફરોને પણ મોંઘવારીનો ઝાટકો લાગ્યો છે. તેલ કંપનીઓએ એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે હવાઈ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. હવાઈ ઈંધણ મોંઘું થવાથી ફ્લાઇટ ટિકિટના ભાવ પર પણ અસર પડે છે. 1 માર્ચ 2026થી દિલ્હીમાં ATFનો ભાવ 91,393.39 રૂપિયાથી વધીને 96,638.14 રૂપિયા પ્રતિ કિલોલિટર થયો છે. કોલકાતામાં 94,445.62 રૂપિયાથી વધીને 99,587.14 રૂપિયા, મુંબઈમાં 85,474.63 રૂપિયાથી વધીને 90,451.87 રૂપિયા અને ચેન્નાઈમાં 94,781.99 રૂપિયાથી વધીને 1,00,280.49 રૂપિયા પ્રતિ કિલોલિટર થયો છે.

તે સિવાય રેલવે સંબંધિત પણ એક મહત્વનો ફેરફાર થયો છે. 1લી માર્ચ 2026થી ભારતીય રેલવે પોતાનું જૂનું UTS એપ બંધ કરી શકે છે. આ એપ બંધ થયા પછી મુસાફરો UTS દ્વારા ટિકિટ બુકિંગ કે અન્ય સેવાઓનો ઉપયોગ કરી શકશે નહીં. તેની જગ્યાએ નવા RailOne એપ દ્વારા ટિકિટ બુકિંગ અને અન્ય કામ કરવાની સુવિધા શરૂ થઈ શકે છે.

1 માર્ચ 2026થી દેશમાં મોબાઇલ યુઝર્સ માટે SIM-Binding નિયમ લાગુ થઇ શકે છે. સરકારે અગાઉ સ્પષ્ટ કરી દીધું છે કે મેસેજિંગ એપ્સ માટે યુઝરનું એકાઉન્ટ તેના એક્ટિવ SIM સાથે જ જોડાયેલું હોવું ફરજિયાત રહેશે અને 1 માર્ચની ડેડલાઇન રાખવામાં આવી છે. હાલમાં આ ડેડલાઇન વધારવાના કોઈ સમાચાર નથી. ટેલિકોમ વિભાગ (DoT) એ OTT મેસેજિંગ એપ્સને માર્ગદર્શન આપ્યું છે કે યુઝરના એકાઉન્ટ સક્રિય SIM સાથે જોડાયેલ હોવું જોઈએ. તેના કારણે જો ફોનમાં તે SIM ન હોય જેમાં WhatsApp કે Telegram રજીસ્ટર છે તો આ એપ્સનો ઉપયોગ સીમિત કે બંધ થઈ શકે છે.

બેંકની કામગીરી
માર્ચમાં બેંક સંબંધિત કામ કરવા માટે જો યોજના બનાવી હોય તો જાણો કે આ મહિને અનેક તહેવારો અને પ્રસંગોના કારણે બેંકોમાં વિશેષ રજાઓ રહેશે અને બેંકિંગ કામગીરી બંધ રહેશે. આ રજાઓમાં હોળી, ગુઢી પડવા, ઈદ, રામ નવમી અને મહાવીર જયંતીનો સમાવેશ થાય છે. સમગ્ર મહિને કુલ 18 દિવસ બેંક રજા રહેશે જેમાં બીજો અને ચોથો શનિવાર તેમજ રવિવારના સાપ્તાહિક રજા દિવસો પણ સામેલ છે.








