
વેનેઝુએલાના પૂર્વ પ્રમુખ નિકોલસ માદુરોની અમેરિકન સેના દ્વારા કરાયેલી નાટકીય ધરપકડના પડઘા હવે સંયુક્ત રાષ્ટ્ર(ઞગ)માં સંભળાયા છે. સોમવારે બોલાવવામાં આવેલી સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠકમાં રશિયા, ચીન અને કોલંબિયા જેવા દેશોએ અમેરિકાની આ કાર્યવાહીની આકરી ટીકા કરી હતી, જ્યારે અમેરિકાએ આને ’યુદ્ધ’ નહીં પણ ’કાયદેસરની કાર્યવાહી’ ગણાવી હતી.


અમેરિકન પ્રતિનિધિ માઈક વોલ્ટ્ઝે સુરક્ષા પરિષદમાં સ્પષ્ટતા કરતા કહ્યું કે, ’વેનેઝુએલા કે ત્યાંની જનતા વિરુદ્ધ કોઈ યુદ્ધ શરુ કરવામાં આવ્યું નથી. માદુરો વિરુદ્ધની આ કાર્યવાહી કોઈ સૈન્ય હુમલો નથી, પરંતુ વર્ષોથી પેન્ડિંગ રહેલા નાર્કો-ટેરરિઝમ અને ડ્રગ્સની હેરાફેરીના ગુનાહિત કેસો અંતર્ગત લેવાયેલું કાનૂની પગલું છે.’ અમેરિકાએ આક્ષેપ કર્યો કે માદુરોએ લાખો અમેરિકન નાગરિકોના જીવ જોખમમાં મૂક્યા છે.

ચીને પણ આ મામલે અમેરિકાને ઘેર્યું છે. ચીનના પ્રતિનિધિએ આ કાર્યવાહીને ’ધમકાવવા અને દાદાગીરી કરવા જેવો વ્યવહાર’ ગણાવ્યો હતો. ચીને ચેતવણી આપી કે કોઈ પણ દેશ ’દુનિયાની પોલીસ’ બની શકે નહીં અને સાર્વભૌમ દેશોની સીમાઓનું સન્માન થવું જોઈએ. યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસે આ કાર્યવાહીને એક ’ખતરનાક ઉદાહરણ’ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ’જો આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સન્માન કરવામાં નહીં આવે, તો ભવિષ્યમાં વિશ્વ વ્યવસ્થા જોખમમાં મુકાઈ શકે છે.’













