
માધાપર: શ્રી માધાપર મારૂ કંસારા સોની જ્ઞાતિ મંડળના ઉપક્રમે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે સમાજવાડી સ્થિત કનકેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ ભાવભેર ઉજવવામાં આવ્યો હતો. ધાર્મિક વાતાવરણ વચ્ચે મહાદેવની આરાધના, પૂજા-અર્ચના અને ભક્તિભાવપૂર્ણ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.

સાંજના સમયે સમાજના સુરીલા કલાકારોના કંઠનો આસ્વાદ માણવા વિશેષ કરાઓકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દૂરદૂરથી આશરે 30 જેટલા જ્ઞાતિના કલાકારોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાના સુરીલા અવાજથી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન શ્રોતાઓએ કલાકારોને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.

કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર કલાકારોને અનુક્રમે રૂ. ૫૦૦૦, રૂ. ૩૦૦૦ અને રૂ. ૨૦૦૦ની રકમ એનાયત કરવામાં આવી હતી.
આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે પોમલ તન્વીબેન પ્રિતેશભાઈ (ભુજ) વિજેતા રહ્યા હતા. તેમની ઉત્તમ રજૂઆત માટે જ્ઞાતિ મંડળ તથા ઉપસ્થિત જ્ઞાતિજનો દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ જ્ઞાતિ એકતા, સાંસ્કૃતિક પ્રોત્સાહન અને ધાર્મિક ભાવનાને ઉજાગર કરનાર બની રહ્યો હતો. (અહેવાલ : મહેશ સોની)

















