માઇક્રોસોફ્ટ લાવી રહ્યું છે નવું ફીચર: કમ્પ્યુટર હવે વાત કરશે યુઝર સાથે

માઇક્રોસોફ્ટ દ્વારા હવે એક ગજબનું ફીચર લાવવામાં આવી રહ્યું છે. આ ફીચર તેમની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝમાં જોવા મળશે. માઇક્રોસોફ્ટ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ તેમના કમ્પ્યુટરમાં કરવા જઈ રહ્યું છે. વિન્ડોઝ 11માં એનો સમાવેશ કરવામાં આવતાં હવે દરેક કમ્પ્યુટર AI કમ્પ્યુટર બની જશે. માઇક્રોસોફ્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને કન્સ્યુમર ચીફ માર્કેટિંગ ઓફિસર યુસુફ મેહદી દ્વારા તેમના આ વિઝન વિશે વાત કરવામાં આવી છે. આ વિશે તેમણે એક ઇન્ટરવ્યુમાં વાત કરી હતી.

કમ્પ્યુટરમાં AIનો સમાવેશ

અત્યાર સુધી AIનો સમાવેશ મોબાઇલમાં કરવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે કમ્પ્યુટરમાં પણ કરવામાં આવશે. કમ્પ્યુટરમાં AIની સર્વિસનો ઉપયોગ કરી શકાતો હતો, પરંતુ હવે કમ્પ્યુટરને જ AI આધારિત બનાવવામાં આવી રહ્યા છે. આઇફોનમાં જે રીતે સિરીનો સમાવેશ કરવામાં આવ્યો છે એ જ રીતે વિન્ડોઝની સિસ્ટમમાં AIનો સમાવેશ કરવામાં આવશે. અત્યારના કમ્પ્યુટર કરતાં આ એકદમ અલગ હશે. આ વિશે વાત કરતાં યુસુફ કહે છે, ‘અમને એવું લાગી રહ્યું છે કે અમે એક નવું રેવોલ્યુશન લાવવા માટે જઈ રહ્યા છીએ. AIનો સમાવેશ ફક્ત ચેટબોટમાં નહીં, પરંતુ દુનિયામાં ઉપયોગ કરતાં કરોડો લોકોની સિસ્ટમમાં કરવા જઈ રહ્યા છીએ.’

કમ્પ્યુટર વાત કરશે યુઝર્સ સાથે

માઇક્રોસોફ્ટ હવે યુઝર્સ માટે AIનો સમાવેશ વિન્ડોઝ 11માં કરવા જઈ રહ્યું છે. આ ફીચર્સનો ઉપયોગ યુઝર્સ દરરોજ અને તેમના દરેક કામ માટે કરી શકશે. અત્યાર સુધી યુઝર્સ દ્વારા અન્ય AI ચેટબોટ અથવા તો માઇક્રોસોફ્ટના જ કોપાઇલટનો ઉપયોગ કરવો પડતો હતો. જોકે હવે મેકબુકમાં જે રીતે સિરી છે એ જ રીતે કોપાઇલટનો પણ સમાવેશ કરવામાં આવશે. આથી યુઝર્સે હવે તેમના કામ કરવા માટે કમ્પ્યુટરને ફક્ત કમાન્ડ આપવાનો રહેશે. આ વિશે યુસુફ કહે છે, ‘યુઝર હવે તેમના કમ્પ્યુટર સાથે વાત કરશે. યુઝરની દરેક વાતને કમ્પ્યુટર સમજશે અને ત્યાર બાદ યુઝર માટે જાદુઈ રીતે કામ થઈ જશે.’

અવાજનો ઉપયોગ ઇનપુટ તરીકે

આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરે હવે ફક્ત અવાજ કરવાનો રહેશે. એટલે કે મેકબુકમાં જે રીતે ‘Hey Siri’ કહેવામાં આવે છે એ જ રીતે માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં ‘Hey Copilot’ કહેવું પડશે. આ કમાન્ડની રીતે કામ કરશે અને એથી વિન્ડોઝ 11નું AI ફીચર એક્ટિવેટ થઈ જશે. આથી અવાજ હવે ઇનપુટ એટલે કે કમાન્ડ તરીકે કામ કરશે. ત્યાર બાદ યુઝર અને કમ્પ્યુટર બન્ને વાતો કરી શકશે. યુસુફના જણાવ્યા અનુસાર આ ફીચર માઉસ અને કીબોર્ડની જગ્યા લેશે એવું નથી, પરંતુ યુઝરના કામને વધુ સરળ જરૂર બનાવશે.

સ્ક્રીનને સ્કેન કરશે કોપાઇલટ

માઇક્રોસોફ્ટ દ્વારા હાલમાં કોપાઇલટના વિઝન ફીચરને ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરમાં AI સ્ક્રીનને સ્કેન કરશે અને ત્યાર બાદ એપ્લિકેશન અથવા તો કોઈ પણ બાબત વિશે યુઝરના સવાલના જવાબ આપશે. એમાં ફોટો અને ડોક્યુમેન્ટને પણ એ સ્કેન કરશે. દુનિયામાં જ્યાં જ્યાં કોપાઇલટનો ઉપયોગ કરી શકાય છે ત્યાં આ ફીચરનો ઉપયોગ યુઝર કરી શકશે. ત્યાર બાદ કોપાઇલટ એક્શનનું ફીચર આપવામાં આવી રહ્યું છે. આ ફીચરમાં AI યુઝરના કમ્પ્યુટર માટે એક્શન એટલે કે કામ કરશે. ઉદાહરણ તરીકે યુઝર્સના ફોટોથી ભરેલું એક ફોલ્ડરને એડિટ કરવાનું હશે તો એ માઇક્રોસોફ્ટનું AI કરી દેશે.

ટાસ્કબારમાં કરવામાં આવશે AIનો સમાવેશ

માઇક્રોસોફ્ટ હવે ટાસ્કબારમાં પણ કોપાઇલટનો સમાવેશ કરવા જઈ રહ્યું છે. આથી એક ક્લિક કરતાં જ યુઝર કોપાઇલટ વિઝન અને વોઇસ ફીચરનો ઉપયોગ કરી શકશે. યુઝર દ્વારા ‘Hey Copilot’ કમાન્ડ ન આપવો હોય એ આ બટનનો ઉપયોગ કરી શકશે. આ ફીચર દ્વારા AI હવે લોકલ ફાઇલ, એપ્સ અને સેટિંગ્સને પણ એક્સેસ અને સર્ચ કરી શકશે. આ ફીચરની મદદથી યુઝરના દરેક કામ સરળ અને સમય ઓછો જશે. માઇક્રોસોફ્ટ દ્વારા હવે કોપાઇલટને એક ચેટબોટ તરીકે નહીં, પરંતુ એક AI ઓપરેટિંગ સિસ્ટમ તરીકે જોવામાં આવી રહી છે.

error: Content is protected !!