કચ્છના લખપતથી શરૂ થયેલી 6,500 કિમીની ઐતિહાસિક ‘વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન મોરબી જિલ્લાના આંગણે પહોંચી


કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અને એકતાના સંદેશ અને સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત થીમ સાથે આયોજિત “વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન-૨૦૨૬”નું મોરબી જિલ્લાના માળીયા તાલુકાના સરવડ ગામે આગમન થયું હતું. આ પ્રસંગે આયોજિત વિશેષ કાર્યક્રમમાં મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને CISF રાજકોટ યુનિટના જવાનો દ્વારા સાયકલ યાત્રીઓનું ભવ્ય સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. સરવડના ગ્રામજનોએ આ સાયકલ યાત્રાને ઢોલના નાદ અને કંકુ છાંટણા તથા પુષ્પવર્ષા કરી વધાવી હતી.

સરવડ ગામે આયોજિત આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો અને સ્થાનિક કલાકારો દ્વારા પ્રસ્તુત સાંસ્કૃતિક કાર્યક્રમોએ ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ ભર્યો હતો. CISF ના જવાનો દ્વારા સૂર્ય નમસ્કાર અને યોગ પ્રદર્શન, કર્વ માગા, લાઠી દાવ, ફાઇટિંગ ડેમો, ફ્લાઈંગ કિક, પિરામીડ સહિત શિસ્તબદ્ધ કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. આ શૌર્ય પ્રર્દશને વાતાવરણમાં જોશ અને ઉર્જાનો સંચાર કર્યો હતો અને ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા. જવાનોએ શારીરિક ક્ષમતા અને માનસિક એકાગ્રતાનો પરિચય કરાવી ‘ફિટ ઈન્ડિયા – ફિટ ફોર્સ’નો સંદેશ પ્રસરાવ્યો હતો. CISF રાજકોટ યુનિટ દ્વારા આ યાત્રાના માળીયા-જોડિયા રૂટનું સુચારુ સંચાલન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ કિનારાની આ ટીમે ૨૮ જાન્યુઆરીએ કચ્છના ઐતિહાસિક લખપત કિલ્લાથી પ્રસ્થાન કર્યું હતું. આશરે ૬,૫૦૦ કિમી લાંબી આ યાત્રા ૨૨ ફેબ્રુઆરીએ કેરળના કોચી ખાતે સંપન્ન થશે. આ યાત્રામાં ૫૦ ટકા જેટલી મહિલા સાયકલોવીરોની ભાગીદારીએ ‘નારી શક્તિ’નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભારતની દરિયાઈ સીમાઓની સુરક્ષામાં CISF ની ભૂમિકા અત્યંત મહત્વની છે. આ સાયકલોથોન દ્વારા સમુદ્ર તટીય વિસ્તારોમાં માછીમારો અને યુવાનોમાં જાગૃતિ લાવવા અને રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

કાર્યક્રમ દરમિયાન ડીઆઈજી ધનંજય નાયક, સિનિયર કમાન્ડન્ટ બી.સી. યાદવ, ડેપ્યુટી કમાન્ડન્ટ સંદીપ ચક્રવર્તી, રાજકોટ એરપોર્ટ કોર્ડીનેટર-ઇન્સ્પેકટર મહેશ સિંઘ અને અશોકભાઈ વાળા, માળીયા તાલુકા વિકાસ અધિકારી પી.એમ. સાવલીયા, CISF ના જવાનો અને સાયકલવીરો, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
















