
મેટા કંપની લાંબા સમયથી સ્માર્ટ ગ્લાસિસ પર ફોકસ કરી રહી છે. દરમિયાન કેટલાક લોકોને ઇન્ટરનેટ પર એક નવો વીડિયો જોવા મળ્યો, જેમાં મેટાના સ્માર્ટ ગ્લાસિસમાં ડિસ્પ્લે પણ ઉમેરાયો હોવાનું જોવા મળ્યું.
વાસ્તવમાં મેટા કંપનીએ પોતે આ વીડિયો યુટ્યૂબ પર અપલોડ કર્યો અને પછી થોડા સમયમાં તેને દૂર કર્યો. કંપનીએ ગયા અઠવાડિયે બે દિવસ મેટા કનેક્ટ નામની તેની એક મોટી કોન્ફરન્સ યોજી. ડિસ્પ્લેવાળા સ્માર્ટ ગ્લાસિસનું એનાઉન્સમેન્ટ આ કોન્ફરન્સમાં થવાનું હતું પરંતુ તે પહેલાં કંપનીએ પોતે તેનો વીડિયો લિક કર્યો અને પછી દૂર પણ કર્યો.

આ વીડિયો મુજબ, મેટાના સ્માર્ટ ગ્લાસિસના, રે-બાન કંપનીના સાથેના આ નવા વર્ઝનમાં હેડ્સ-અપ ડિસ્પ્લે યુનિટ ઉમેરાઈ રહ્યું છે. જેને કારણે આ ગ્લાસિસ પહેરેનારી વ્યક્તિ તેની આંખો સામે ડિસ્પ્લે થતી વિવિધ ઇન્ફર્મેશન જોઈ શકશે. જેમ કે સ્માર્ટ ગ્લાસિસમાંની મેટા એઆઇને કોઈ સવાલ પૂછવામાં આવે તો તેના જવાબો આ સ્માર્ટ ગ્લાસમાંના ડિસ્પ્લે યુનિટને કારણે નજર સામે, હવામાં તરતા હોય તે રીતે જોઈ શકાશે. એ જ રીતે સ્માર્ય ગ્લાસિસની મદદથી મેપ એપ્સનો ઉપયોગ કરીએ ત્યારે આપણી નજર સામે નકશાઓ જોઈ શકાશે ને નેવિગેશન કરી શકાશે.

અત્યાર સુધી મેટાના સ્માર્ટ ગ્લાસિસમાં કેમેરા અને સ્પીકર એ બે મુખ્ય ફીચર હતાં. હવે તેમાં ડિસ્પ્લેની સુવિધા પણ આવી ગઈ છે. કંપનીએ આ ગ્લાસિસ સાથે કાંડા પર પહેરાય તેવો એક રિસ્ટબેન્ડ પણ લોન્ચ કર્યો છે. તેની મદદથી આપણે સ્માર્ટ ગ્લાસ સાથે ઇન્ટરેકશન કરી શકીશું. મેટા કંપની અને તેના સ્થાપક માર્ક ઝકરબર્ગ સ્માર્ટ ગ્લાસિસ બાબતે એકદમ ઉત્સાહિત છે. માર્ક ઝકરબર્ગના મતે એક સમયે એવો આવશે જ્યારે લોકો સ્માર્ટફોનને બદલે સ્માર્ટ ગ્લાસિસનો વધુ ઉપયોગ કરશે તથા તેની જ મદદથી એઆઇ સાથે ઇન્ટરેકશન કરશે. ઝકરબર્ગે તો ત્યાં સુધી કહ્યું કે સ્માર્ટ ગ્લાસનો ઉપયોગ ન કરતી વ્યક્તિ દેખીતી રીતે અન્ય લોકોથી પાછળ રહી જશે!
















