
SIR કામગીરીમાં પ્રાથમિક શિક્ષકો પર વધતા દબાણને કારણે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. ફોર્મ પર ના મોબાઇલ નંબર છપાયેલા હોવાથી મોડી રાત્રે અમુક લોકો દ્વારા ફોન કરીને અભદ્ર ભાષામાં વાત કરવામાં આવતી હોવાની ઘટનાઓ પણ વધી રહી છે.
આ અંગે તા.15 નવેમ્બર,2025ના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિ.રાજકોટના કારોબારી મિત્રો અને બહોળી સંખ્યામાં શિક્ષક મિત્રો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ઊગ્ર રજૂઆત કરી હતી. છતાં પરિસ્થિતિ સુધરી નથી. આ મામલામાં હવે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત દ્વારા ગાંધીનગર કક્ષાએ રજૂઆત કરી છે.

આ કામગીરી દરમ્યાન મૃત્યુ પામેલા શિક્ષકોના પરિવારોને 1 કરોડની સહાય આપવાની માંગ કરવામાં આવી છે, આત્મહત્યાના બનવામાં SITની નુંમણુક કરવા આવે,સાથે સર્વર અપડેટ, નોટીસો પાછી ખેંચવાની માગણીઓ સામેલ છે. SIRમાં પ્રાથમિક શિક્ષકો જ BLO તરીકે ફરજ બજાવી રહ્યા છે,

જેને કારણે તેમને તંત્ર તરફથી સતત દબાણ, માનસિક ત્રાસ અને રાત્રે મોડા સુધી કામગીરી કરવાની ફરજ પડે છે. આ તણાવને પગલે ખેડા,સાબરકાંઠા, ગીરસોમનાથ અને વડોદરા અને અન્ય જિલ્લાઓમાં મળી 6 જેટલા BLO શિક્ષક મિત્રોએ જીવ ગુમાવ્યો હોવાનો મુદ્દો ઉગ્ર બની રહ્યો છે. એકસાથે સમગ્ર રાજ્યમાં કામ ચાલતા સર્વર ધીમું રહે છે.

જ્યારે વારંવારની મિટિંગો તથા અન્ય કર્મચારીઓના અભાવથી BLO પર વધારાનો ભાર પડે છે. મુખ્યમંત્રી અને મુખ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે. જેમાં એકથી વધુ લોગિનની સુવિધા, રાત્રે મોડું કામ ન કરાવવું. ટેકનિકલ રીતે સક્ષમ અન્ય સ્ટાફ દ્વારા ડેટા એન્ટ્રી ઓનલાઈન કરવાની માંગ, શિક્ષકો ઉપર ખોટી દબાણ ન કરવું વગેરે માંગ કરવામાં આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિ.રાજકોટ મહાનગર રાજકોટ જિલ્લાના તમામ BLO શિક્ષક મિત્રોને ખોટા દબાણથી અજંપો ન માનવા અપીલ કરી સંગઠન સદાય તેમનાં પક્ષે ઉભું હોવાનું જણાવ્યું છે.





