

મોરબી જિલ્લા પીએમ પોષણ શક્તિ નિર્માણ (મધ્યાહ્ન ભોજન) યોજના કર્મચારી સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવી યોજનામાં કાર્યરત હજારો મહિલાઓના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.

સંઘના જણાવ્યા મુજબ રાજ્યમાં અંદાજે ૯૬,૦૦૦ કર્મચારીઓમાંથી લગભગ ૬૮,૦૦૦ જેટલી મહિલાઓ આ યોજનામાં રસોઈયા તરીકે માનદ સેવક તરીકે કાર્યરત છે. તેમ છતાં નિવૃત્તિ પછી પેન્શન, ગ્રેજ્યુઇટી કે અન્ય કોઈ નાણાકીય સહાય મળતી નથી. તેથી નિવૃત્તિ બાદ નિશ્ચિત પેન્શન અથવા આર્થિક સહાયની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત મહિલાઓને પ્રસૂતિ રજા તથા અન્ય જરૂરી રજાઓની વ્યવસ્થા, રસોઈયાના બદલે “ભોજન માતા” તરીકે સન્માનજનક ઓળખ, દર વર્ષે બે સાડીનો ડ્રેસ કોડ, તેમજ કામ દરમિયાન અકસ્માત થાય તો મફત સારવાર અને રૂ. ૪ લાખ સુધીનું વળતર આપવાની યોજના અમલમાં મુકવાની માંગ પણ કરવામાં આવી છે.
સંઘે રાજ્ય સરકાર પાસે મહિલાઓને ન્યાય મળે તે માટે આ મુદ્દાઓ પર યોગ્ય નિર્ણય લેવા માંગણી કરી છે.












