
ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા ખામેનેઈના મોતના સમાચાર બાદ પાકિસ્તાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરાયેલા હુમલામાં ખામેનેઈના મૃત્યુના વિરોધમાં પાકિસ્તાનના અનેક શહેરોમાં હિંસક પ્રદર્શનો શરૂ થયા છે.

ખાસ કરીને કરાચી, લાહોર અને સ્કારદુ જેવા શહેરોમાં દેખાવકારોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં અંદાજે 35 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. કરાચીમાં શિયા સંગઠનોએ અમેરિકન કોન્સ્યુલેટ પાસે તોડફોડ અને આગજની કરી હતી, જેને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ ટીયર ગેસ છોડ્યો હતો અને જવાબી કાર્યવાહી કરવી પડી હતી.

પાકિસ્તાનના અનેક શહેરો અશાંતકરાચીમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચેની હિંસક અથડામણમાં 16 લોકોના મોત થતા સ્થિતિ અત્યંત ગંભીર બની છે. આ ઉપરાંત સ્કારદુમાં દેખાવકારોએ અમેરિકન ઓફિસને આગ ચાંપી દેતા 7 લોકોના જીવ ગયા છે, જ્યારે ઈસ્લામાબાદ અને ગિલગિટમાં પણ હિંસાના કારણે અનેક મોત નોંધાયા છે. પરિસ્થિતિને જોતા કરાચી પ્રશાસને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા બંદોબસ્ત સખત કરી દીધો છે અને મુખ્ય રસ્તાઓ પર વાહનવ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે પણ લોકોને હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ન જવા માટે ચેતવણી આપી છે.
ખામેનેઈના સમર્થકો રસ્તા પર ઉતર્યા
માત્ર પાકિસ્તાન જ નહીં, પરંતુ ઈરાનની રાજધાની તેહરાન અને ઈસ્ફહાનમાં પણ ખામેનેઈના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. અમેરિકા અને ઈઝરાયલ વિરોધી સૂત્રોચ્ચાર સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા આ તણાવ અને નેતન્યાહૂ સરકારના આક્રમક વલણની અસર હવે પડોશી દેશોમાં પણ હિંસા અને અરાજકતાના રૂપમાં દેખાઈ રહી છે.
મધ્ય પૂર્વ એશિયામાં સર્જાયેલા યુદ્ધના સંકટ અને ઈઝરાયલ-અમેરિકાના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના મોતના પગલે ભારતમાં પણ તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. આ ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશભરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એડવાઈઝરી જાહેર કરી છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને ઈરાનના સમર્થન કે વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનોને લઈને વિશેષ તકેદારી રાખવા સૂચના આપી છે.
દેશભરમાં કાયદો અને વ્યવસ્થા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા: ગૃહ મંત્રાલય
ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓની અસર ભારતના વિવિધ ભાગોમાં પડી શકે છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે કેટલાક અસામાજિક તત્વો પ્રદર્શનોની આડમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી શકે છે.

આ માટે સ્થાનિક વહીવટી તંત્ર અને ખુફિયા એજન્સીઓને સતર્ક રહેવા અને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ સુરક્ષા તૈનાત કરવા જણાવાયું છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર ફેલાતી ભડકાઉ પોસ્ટ કે અફવાઓ પર પણ કડક નજર રાખવા આદેશ અપાયા છે, જેથી તણાવ વધતો અટકાવી શકાય.
ખામેનેઈના મોત બાદ અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન

ખામેનેઈના મોત બાદ ભારતના અનેક હિસ્સાઓમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં અનેક વિસ્તારોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, જેને પગલે સાવચેતીના ભાગરૂપે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે અને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. લોકો ખામેનેઈના સમર્થનમાં એકજૂથ થઈને અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે હિંસા ફેલાવનારા કે જાહેર મિલકતોને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.











