મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે PM મોદીએ નેતન્યાહૂને ઘુમાવ્યો ફોન, ભારતની ચિંતા જણાવતા કરી અપીલ

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન દ્વારા યુનાઇટેડ આરબ એમિરેટ્સ(UAE) પર કરવામાં આવેલા મિસાઇલ હુમલાની સખત નિંદા કર્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાતચીત કરી છે. પીએમ મોદીએ આ હિંસા વહેલી તકે અટકાવવા અને સામાન્ય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે.
પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા

સોમવારે વહેલી સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી આપતા પીએમ મોદીએ જણાવ્યું કે, તેમણે નેતન્યાહૂ સાથે પ્રાદેશિક સ્થિતિ અંગે ચર્ચા કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત આ ઘટનાક્રમથી ચિંતિત છે અને શાંતિ સ્થાપવા માટે મધ્યસ્થી અને વાતચીતનો માર્ગ અપનાવવો અત્યંત મહત્ત્વનું છે.

UAE પર ઈરાનનો હુમલો અને ભારતની પ્રતિક્રિયા

આ પહેલા રવિવારે રાત્રે પીએમ મોદીએ UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે પણ વાત કરી હતી. ઈરાને UAE પર જે હુમલા કર્યા તેની ભારતે આકરા શબ્દોમાં નિંદા કરી છે. આ સંઘર્ષમાં એક ભારતીય નાગરિક પણ ઈજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ છે, જોકે તેની હાલત અત્યારે ખતરાની બહાર છે.
શા માટે ભારત માટે આ સ્થિતિ ગંભીર છે?

ભારતીયોની સુરક્ષા: એકલા UAEમાં જ લગભગ 39 લાખ ભારતીયો વસે છે. જો યુદ્ધ વધે તો આ તમામ નાગરિકોની સુરક્ષા ભારત માટે સૌથી મોટો પડકાર બની શકે છે.

આર્થિક અસર: ભારત અને UAE વચ્ચે વાર્ષિક 100 અબજ ડોલરનો વેપાર થાય છે. યુદ્ધની અસર સીધી ભારતીય અર્થતંત્ર પર પડી શકે છે.

પી.વી. સિંધુનો ભયાનક અનુભવ: ભારતીય બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુ પણ દુબઈ એરપોર્ટ પર ફસાઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર પોતાનો ડર વ્યક્ત કરતા કહ્યું કે, પોતાની નજર સામે મિસાઈલોને તોડી પાડવામાં આવતી જોવી એ ખૂબ જ ભયાનક અનુભવ હતો.

અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં ખામેનેઈનું મોત

28 ફેબ્રુઆરીના રોજ અમેરિકન પ્રમુખની મંજૂરી બાદ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર મોટા પાયે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું હોવાના અહેવાલ છે. જોકે, ભારત સરકારે હજુ સુધી ખામેનેઈના મોત અંગે સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ સતત સંયમ જાળવવાની અપીલ કરી છે.

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારત એક્શન મોડમાં

મધ્ય પૂર્વમાં સર્જાયેલા ગંભીર તણાવ અને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના મોતના પગલે પીએમ મોદીએ રવિવારે રાત્રે સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ(CCS)ની મહત્ત્વની બેઠક બોલાવી હતી.
આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધની વૈશ્વિક અસરો અને ખાસ કરીને મધ્ય પૂર્વમાં વસતા લાખો ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. જો સ્થિતિ વધુ બગડે તો ભારતીયોને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવા માટેની રણનીતિ પર પણ આ બેઠકમાં ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.

ભારતનો શાંતિ અને સ્થિરતા માટે ટેકો

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું કે ભારત હંમેશા તણાવ ઓછો કરવા અને ક્ષેત્રીય શાંતિ જાળવી રાખવાનો પક્ષધર રહ્યું છે. ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ પક્ષોને વાતચીત દ્વારા ઉકેલ લાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. યુદ્ધની આ વિકટ પરિસ્થિતિમાં ભારતની નજર તેલના પુરવઠા અને આર્થિક અસરો પર પણ છે, જેની સીધી અસર ભારતીય બજાર પર પડી શકે છે.

error: Content is protected !!