HomeAllમંગળવારે કંકણાકૃતિ સૂર્યગ્રહણ : ભારતમાં દેખાશે નહિ, વિશ્વમાં અદ્ભુત અવકાશી નજારો

મંગળવારે કંકણાકૃતિ સૂર્યગ્રહણ : ભારતમાં દેખાશે નહિ, વિશ્વમાં અદ્ભુત અવકાશી નજારો

મંગળવાર તા. ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ વિશ્વના અમુક પ્રદેશોમાં કંકણાકૃતિ તેમજ ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્ભુત અવકાશી નજારો જોવા મળશે. ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં. વિશ્વભરમાં આ રોમાંચકારી ખગોળીય ઘટનાને નિહાળવા વૈજ્ઞાનિકો અને ખગોળપ્રેમીઓ ઉત્સુક છે.

આ ગ્રહણ દક્ષિણ આર્જેન્ટિના, ચિલી, દક્ષિણ આફ્રિકા, એન્ટાર્કટિકા, પેસિફિક મહાસાગર, ફિજી સહિતના વિસ્તારોમાં સ્પષ્ટપણે જોવામાં આવશે. કેટલાક પ્રદેશોમાં ખંડગ્રાસ સ્વરૂપે પણ દેખાશે. ગ્રહણની કુલ અવધિ આશરે ૦૪ કલાક ૩૧ મિનિટ રહેશે, જ્યારે કંકણાકૃતિ અવસ્થા આશરે ૦૨ મિનિટ ૨૦ સેકન્ડ સુધી નિહાળવા મળશે.

ભારતીય સમય મુજબ ગ્રહણનો સ્પર્શ બપોરે ૩:૨૬ કલાકે શરૂ થઈ સાંજે ૭:૫૭ કલાકે પૂર્ણ થશે. ગ્રહણનું ગ્રાસમાન ૦.૯૬૩ રહેશે.

ભારત જન વિજ્ઞાન જાથાના રાજ્ય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું હતું કે, ગ્રહણ માત્ર અવકાશી પરિભ્રમણ અને ભૂમિતિની સ્વાભાવિક પ્રક્રિયા છે. તેનો માનવજીવન પર કોઈ ભૌતિક કે આધ્યાત્મિક પ્રભાવ પડતો નથી. વિજ્ઞાનીઓ ગ્રહણનો ઉપયોગ સંશોધન અને પ્રાકૃતિક પ્રક્રિયાઓના અભ્યાસ માટે કરે છે.

જાથા દ્વારા રાજ્યભરમાં ગ્રહણ અંગે વૈજ્ઞાનિક સમજ આપતા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે. ગ્રહણને લગતી અંધશ્રદ્ધા, સૂતક-બૂતક, દોષ નિવારણ કે અન્ય કર્મકાંડો વિશે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી માહિતી આપવામાં આવશે.

મહત્વપૂર્ણ સૂચના : સૂર્યગ્રહણ નરી આંખે જોવું અતિ જોખમી છે. યોગ્ય સુરક્ષા ચશ્મા અથવા ફિલ્ટર વગર સીધું નિહાળવું નહીં. વધુ માહિતી માટે ભારત જન વિજ્ઞાન જાથા – મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ પર સંપર્ક કરી શકાય છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!