મોરબીમાં કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ

મોરબીમાં કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં મોરબી જિલ્લા પ્રવાસન યાત્રાધામોના વિકાસ કામોની ચર્ચા વિચારણા તેમજ સમીક્ષા અન્વયે બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ યાત્રાધામોના વિકાસ કાર્યો અંગે કલેક્ટરએ વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પ્રવાસન સ્થળોના વિકાસ પર વિશેષ ભારત આપવામાં આવી રહ્યો છે અને તેના માટે અલાયદી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે. મોરબી જિલ્લાને વધુ એક પ્રવાસન સ્થળ મળે તે માટે મણી મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે જે માટે ટૂંક સમયમાં યોગ્ય આયોજન પણ હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત મોરબી જિલ્લાના અન્ય કેટલાક પ્રવાસન સ્થળોને પણ વિકસાવવા ત્યાં પાર્કિંગ સ્વચ્છતા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહે તે માટેની સૂચના સંબંધીત અધિકારીઓને કલેક્ટરએ આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, નાયબ વંન સંરક્ષક સુનિલ બેરવાલ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઇજનેર દિવ્યેશ બાબરવા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.






