મનરેગાનું નામ બદલવા કેબિનેટની મંજૂરી, હવે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના કહેવાશે

 કેન્દ્ર સરકારે ગ્રામીણ ક્ષેત્રની સૌથી મોટી ફ્લેગશિપ યોજના ‘મનરેગા’ના નામ અને તેના કામકાજના દિવસોમાં ઐતિહાસિક ફેરફારને કેબિનેટમાં મંજૂરી આપી દીધી છે. હવે આ યોજના ‘પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી’ તરીકે ઓળખાશે. સરકાર યોજનાને નવી ઓળખ આપવા સાથે શ્રમિકોને મળતાં લાભોમાં પણ મોટો વધારો કરી રહી છે.

રોજગારીના દિવસો પણ વધશે, બજેટની પણ જોગવાઈ

આ નિર્ણય હેઠળ, યોજનામાં સૌથી મોટો ફેરફાર એ છે કે શ્રમિકોને એક વર્ષમાં મળતા રોજગારના દિવસોની સંખ્યા 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવશે. આ વધારાથી ગ્રામીણ પરિવારોને વાર્ષિક ધોરણે વધુ આર્થિક સુરક્ષા મળશે. આ યોજનાને નવા રૂપમાં લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે રૂ.1.51 લાખ કરોડ રૂપિયાની જંગી જોગવાઈ કરી છે, જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાના સરકારના સંકલ્પને દર્શાવે છે.

અગાઉ બે વખત બદલાયું નામ

વર્ષ 2005માં મનમોહન સિંહ સરકાર દ્વારા જ્યારે આ યોજના ‘નેશનલ રૂરલ એમ્પ્લૉયમેન્ટ ગેરેન્ટી ઍક્ટ’ તરીકે શરુ કરવામાં આવી હતી, ત્યારથી તેનું નામ બે વખત બદલાયું છે. અગાઉ ‘મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લૉયમેન્ટ ગેરંટી ઍક્ટ (MGNREGA)’ કરાયું હતું. હવે ‘પૂજ્ય બાપુ’ નામ ઉમેરીને યોજનાને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સિદ્ધાંતો સાથે વધુ જોડીને નવી ઓળખ આપવાનો સરકારે દાવો કર્યો છે.

મનરેગાથી 15.4 કરોડ લોકોને મળી રોજગારી

ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત આ યોજના અત્યાર સુધીમાં 15.4 કરોડથી વધુ સક્રિય કામદારોને રોજગાર આપી ચૂકી છે, જે તેને દેશના ગ્રામીણ પરિવારો માટે આર્થિક મદદ પૂરી પાડતી સૌથી મોટી યોજના બનાવે છે. કામના દિવસોમાં વધારો થવાથી માત્ર ગરીબી રેખા હેઠળના પરિવારોને જ નહીં, પરંતુ સમગ્ર ગ્રામીણ વપરાશ અને સ્થાનિક સંપત્તિના નિર્માણને પણ પ્રોત્સાહન મળશે.

error: Content is protected !!