નૈઋત્ય નવેસરથી સક્રીય થયા બાદ ફરી કુદકા મારતુ ઝડપભેર આગળ વધવા લાગ્યુ હોય તેમ આજે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોને કવર થઈ ગયા હોવાનું જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કહ્યુ છે.

તેઓએ આજે કહ્યું કે, ચોમાસાની ઉતરીય પાંખ હવે ડીસા પાસેથી પસાર થઈ રહી છે. જે કચ્છના મોટાભાગને કવર કરી રહી છે. ડીસા 24.4 નોર્થ પર છે જયારે કચ્છ 24.7 પર છે. આમ હવે માત્ર કચ્છનો નાનકડો ભાગ તથા ડીસા-પાલનપુરથી રાજસ્થાન બોર્ડર સુધીનો ભાગ જ બાકી રહી ગયો છે.

બાકીના રાજયના તમામ ભાગો કવર થઈ ગયા છે. બે દિવસમાં સમગ્ર ગુજરાત, અરબી સમુદ્ર, વિદર્ભ, મધ્યપ્રદેશ, છતીસગઢ, ઓડીશાને કવર કરશે. ચોમાસુ રેખા ડીસા, ઈન્દોર, પંચમઢી, મંડલા, અંબિકાપુર, હઝારીબાગ તથા સુપૌલ પરથી પસાર થાય છે.

ગુજરાતમાં ચોમાસુ હજુ સક્રિય રહેવાની સંભાવના દર્શાવતા તેમણે કહ્યું કે ગુજરાત રીજીયન તથા આસપાસના વિસ્તારોમાં લો-પ્રેસર સર્જાયેલુ છે તે આવતા ચોવીસ કલાકમાં મોટાભાગે ઉતરદિશામાં આગળ વધવાની સંભાવના છે.

આ સિવાય દક્ષિણ પશ્ચિમ બાંગ્લાદેશ અને ગેંગેરિક પશ્ચિમ બંગાળમાં રહેલુ લો-પ્રેસર પણ યથાવત છે. જો પશ્ચિમ-ઉતરપશ્ચિમ તરફ ગતિ કરીને આવતા 24 કલાકમાં વધુ મજબૂત થવાની સંભાવના છે.
























