મોરબીના પર્યાવરણ પ્રેમી જીતુભાઈ ઠક્કર દ્વારા મહા નગરપાલિકાને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે, મોરબી સીટી વિસ્તારમાં રોડ સાઈડમાં જે કોઈ વૃક્ષો હતા તે કોઈને કોઈ રીતે બળી ગયા છે કે કાપી નાખવામાં આવેલા છે.માટે શહેરની મધ્યમાં વૃક્ષો વાવવા જોઈએ અને તેનો યોગ્ય રીતે ઉછેર થાય અને વૃક્ષો મોટા થાય તેવા પણ સઘન પ્રયત્નો કરવા જોઈએ.

જીતુભાઈ ઠક્કર દ્વારા મહા નગર પાલીકાના કમિશનરને પત્ર લખીને જણાવવામાં આવેલ છે કે, મોરબી શહેરમાં શનાળા રોડ, રવાપર રોડ અને વાવડી રોડ ઉપર અગાઉ વાવેલા અને ઉછરી ગયેલા વૃક્ષો વિવિધ કારણોસર એટલે કે સુકાઈ જવાથી, રોડ રસ્તાના પેવર કામ દરમ્યાન અડચણરૂપ થતા કાઢી નાંખવા વિગેરે કારણોસર હાલમાં મોજુદ નથી.! જેમ કે નવા બસ સ્ટેન્ડથી આગળ જીઆઈડીસી પાસે પેવર બ્લોક કામ દરમ્યાન આયુર્વેદિક મહત્તા ધરાવતું નગોડનું વૃક્ષ કોઈએ કાઢી નાંખ્યું.

આપણે સૌ જાણીએ છીએ તેમ હાલ પર્યાવરણ સુરક્ષા તરફના દુર્લક્ષની દુરોગામી અસરોને લીધે આપણે સૌ અતિ ભારે ગરમીનો સામનો કરી રહ્યા છીએ.વળી હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ હાલમાં “એક પેડ માઁ કે નામ” અંતર્ગત અભિયાન ચલાવવામાં આવે છે.

જે અનુસંધાને ઉપર દર્શાવેલ દરેક સ્થળોએ ફરી વૃક્ષો વાવીને ભવિષ્યમાં તે વૃક્ષોને કોઈપણ બહાના હેઠળ દૂર ન કરવામાં આવે તેવું આયોજન અને અમલીકરણ તંત્ર દ્રારા કરાવવામાં આવે તે જરૂરી બન્યુ છે.

























