HomeAllમોરબીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની જિલ્લાકક્ષાની ઉજવણીમાં સામૂહિક યોગા અભ્યાસ કરાયો

મોરબીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની જિલ્લાકક્ષાની ઉજવણીમાં સામૂહિક યોગા અભ્યાસ કરાયો

    આંતરરાષ્ટ્રીય યોગ દિને મોરબી જિલ્લામાં જિલ્લાકક્ષાની ઉજવણી મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં યોગ સાધકોની સાથે “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય” માટે યોગની થીમ સાથે “મેદસ્વિતા મુક્ત ભારત”  અભિયાન અન્વયે અનેરા ઉત્સાહ અને ઉર્જા સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી  કરવામાં આવી હતી. યોગ ઈન્સ્ટ્રકર ઓ દ્વારા સર્વેને વિવિધ યોગા અભ્યાસ કરાવવામાં આવ્યા હતા.

સર્વે ઉપસ્થિતોએ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં વિશાખાપટ્ટનમથી યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના તથા વડનગર ખાતેથી મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

પ્રાસંગિક ઉદ્બોધન આપતા રાજ્યસભાના સાંસદ  કેશરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, યોગ એ ભારતની વૈદિક સંસ્કૃતિ છે. ઋષિ-મુનિઓએ શોધેલો યોગ ભારતે વિશ્વને આપેલી વિરાસત છે. પ્રાચીન સમયમાં યોગના કારણે લોકોના મન-શરીર-આત્મા તંદુરસ્ત રહેતા હતા. ઋષિ-મુનિઓની સાધના પદ્ધતિના લીધે અનેક લાભ કરાવતા આ યોગની આપણને વિરાસત મળી, પરંતુ યોગને સમગ્ર વિશ્વમાં પ્રસારિત કરવાનું કામ એનો બહોળો પ્રચાર કરવાનું કામ અને તેની આંતરાષ્ટ્રીય માન્યતા અપાવવાનું કામ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. વડાપ્રધાનએ તેમના ૧૧ વર્ષના શાસનમાં  આપણી સાંસ્કૃતિક ધરોહરને જાગૃત કરવા માટે  ખૂબ બધા કામો કર્યા છે .જેમા આયુર્વેદ અને યોગનો સમાવેશ થાય છે  યોગ એ આપણી ઉપલબ્ધિ છે જે આપણને શારીરિક માનસિક ઉર્જા આપે છે. આરોગ્ય ઉત્તમ બનાવે છે. યોગને નિયમિત રોજબરોજના જીવનમાં અપનાવવું જોઈએ.

આ પ્રસંગે ધારાસભ્ય   પ્રકાશભાઈ વરમોરાએ  કહ્યું હતું ઋષિમુનીઓએ આપણને યોગની ભેટ આપી હતી. યોગ લોકોના દૈનિક જીવનમાં આવે તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે. આ માટે મેદસ્વિતા મુક્ત અભિયાન ચલાવી રહી છે. જેથી યોગ દ્વારા લોકોનો માનસિક અને શારીરીક સ્વાસ્થ્ય ઉત્તમ બને.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત જિલ્લા કલેક્ટર  કિરણ બી. ઝવેરીએ કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસથી આપણા પ્રાચીન યોગને વૈશ્વિક સ્તરે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગ રોગને ભગાવે છે. ત્યારે આપણે પણ દૈનિક જીવનમાં યોગને અપનાવીને સ્વસ્થ રહીએ.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ  હંસાબેન પારેધી, ધારાસભ્ય સર્વ  કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય  દુર્લભજીભાઈ દેથરીયા, અગ્રણી  જેન્તીભાઇ ભાડેસિયા, જિલ્લા વિકાસ અધિકારી  જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક  રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર  એસ.જે. ખાચર, નાયબ વન સંરક્ષક  સુનિલ બેરવાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  એન.એસ. ગઢવી, પ્રાંત અધિકારી  સુશીલ પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી  હિરલ વ્યાસ સહિતના અધિકારીઓ, મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં મોરબી જિલ્લાવાસીઓ સહભાગી બન્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!