
મોરબી: આલાપ રોડને લગતી કુલ ૨૭ સોસાયટીઓ દ્વારા એક સંયુક્ત મીટિંગ યોજાઈ હતી, જેમાં વિસ્તરના વિવિધ પ્રશ્નોને લઈને એકમતીથી ચર્ચા કરવામાં આવી હતી.

મીટિંગનો મુખ્ય હેતુ તંત્રની કથળતી પરિસ્થિતિ, સ્થાનિક સમસ્યાઓ અને આલાપ રોડના ચાલી રહેલા કામમાં થતી ધીમી ગતિ અંગે ધ્યાન દોરવાનો હતો.
સભામાં ઉપસ્થિત રહેલાં રહેવાસીઓએ જણાવ્યું હતું કે આલાપ રોડનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે અને તેની ગુણવત્તા અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

ઉપરાંત, છેલ્લા ૧૫ વર્ષથી ચાલતા આલાપ રોડ પર બંને બાજુ થયેલા દબાણનો પ્રશ્ન હજુ સુધી યથાવત રહ્યો છે. વર્ષ ૨૦૧૭માં કલેક્ટરશ્રી દ્વારા આ બાબતે સ્પષ્ટ હુકમ આપવામાં આવ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.

તે ઉપરાંત, તાજેતરમાં મંજૂર થયેલ આઇકોનિક રોડ, જે આલાપના ગેટથી એસપી રોડના નાકા સુધી જાય છે, તેની હાલત અત્યંત ખરાબ હોવાનું જણાયું હતું. હાલ પરિસ્થિતિ એવી છે કે આ રસ્તો કાર તો દૂર, બાઈક માટે પણ યોગ્ય નથી.

આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, સોસાયટીઓના પ્રતિનિધિઓએ તંત્ર સમક્ષ ટૂંક સમયમાં જ ઉકેલ લાવવા માંગ કરી છે. આલાપ રોડની ૨૭ સોસાયટીઓના રહેવાસીઓ એકતા દર્શાવતા આગામી સોમવારે કમિશનરશ્રી તથા વિવિધ વિભાગોના અધિકારીઓને રૂબરૂ રજૂઆત કરશે અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરશે.

















