પોલીસના જવાનો ૩૦૦ ગજ લાંબા તિરંગા સાથે યાત્રામાં જોડાયા; બન્યું આકર્ષણનું કેન્દ્ર

હર ઘર તિરંગા અભિયાન અન્વયે રાષ્ટ્રભાવના ઉજાગર કરી તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી મોરબીમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી સરદાર પટેલ સ્ટેચ્યુ, શનાળા રોડ સુધીના રૂટ પર જિલ્લા કક્ષાની હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં જિલ્લાવાસીઓ અનન્ય ઉમંગ, ઉત્સાહ અને જુસ્સાભેર જોડાયા હતા. અંદાજિત ૨૫૦૦ લોકોએ આ ૨ કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી મોરબીને તિરંગામય બનાવી દીધો હતો.


ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેક્ટર કે.બી. ઝવેરી, મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા વિકાસ અધિકારી એસ.જે. પ્રજાપતિ, સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. પોલીસના જવાનો ૩૦૦ ગજ લાંબો રાષ્ટ્રધ્વજ લઈ તિરંગા યાત્રામાં જોડાતા દેશભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો. મોરબી જિલ્લાવાસીઓએ અદભુત જોશ અને અનેરા ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી.

મોરબીના નગરજનો આન,બાન, શાન સાથે તિરંગો લહેરાવી આ યાત્રામાં જોમ જુસ્સાથી જોડાયા હતા. ‘તિરંગો અમારું સન્માન, અમારું સ્વાભિમાન’ની ભાવના વ્યક્ત કરી સૌ ઉપસ્થિતોએ ગર્વભેર દેશભક્તિના નારા લગાવ્યા હતા, સાથે સ્વાતંત્ર્ય વીરો અને દેશના શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. શાળાના બાળકો દેશભક્તિ સબંધિત વેશભૂષામાં યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રાને નિહાળવા મોરબીના માર્ગો પર લોકોના ટોળા ઉમટ્યા હતા. યાત્રાના રૂટ પર દુકાનદારો, શહેરીજનો અને વિવિધ સ્થળોએ સ્ટેજ પર બાળકોએ તિરંગા યાત્રાનું અભિવાદન કર્યું હતું.


સૌએ મહાનગરપાલિકા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ નમન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શનાળા રોડ પર સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને વંદન કરી શ્રદ્ધાંજલિ આપી યાત્રાની પૂર્ણાહુતિ કરાવી હતી.

આ તિરંગા યાત્રામાં જિલ્લાના પદાધિકારી ઓ, અગ્રણી ઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારી /કર્મચારી ઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળાના બાળકો અને નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.
















