
મોરબી ઝુલતાપુલ દુર્ઘટનામાં પકડાયેલા આરોપીઓ પૈકી જયસુખભાઈ પટેલના પણ શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે જોકે, તેઓએ તેમનો પાસપોર્ટ કાયમી ધોરણે તેમને પરત આપવામાં આવે તેના માટે મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી
જેની સામે જિલ્લાના સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને રાખીને ડિસ્ટ્રીક કોર્ટ દ્વારા તેઓને અરજીને રદ કરવામાં આવેલ છે.મોરબીમાં તા 30-10-2022 ના રોજ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો

ત્યારે પુલ ઉપર હરવા ફરવા માટે આવેલા લોકોમાંથી 135 લોકોના મોત નિપજ્યા હતા જે બનાવ સંદર્ભે મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જે તે સમયે ફરિયાદ નોંધાઈ હતી અને આ ગુનામાં અત્યાર સુધીમાં પોલીસ દ્વારા જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને દસ આરોપીઓને પકડવામાં આવ્યા હતા.

જે આરોપીઓના જુદીજુદી શરતોને આધીન જામીન મજૂર કરવામાં આવ્યા હતા. દરમિયાન ઓરેવા ગ્રૂપના જયસુખભાઈ પટેલ દ્વારા તેઓનો પાસપોર્ટ તેમને કાયમી ધોરણે પરત આપવામાં આવે તેના માટે તેઓના વકીલ મારફતે મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી

જેની સામે મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને રાખીને જજ પી.વી.શ્રીવાસ્તવ દ્વારા તેઓની અરજીને રદ કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જયસુખભાઈ પટેલના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે તેમાં જુદીજુદી શરતો પૈકી તેમણે પોતાનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરવા માટેની પણ શરત રાખવામાં આવી છે.

જે શરતને દૂર કરીને તેઓને કાયમી ધોરણે પાસપોર્ટ પરત આપવામાં આવે તે માટે જયસુખભાઇ પટેલ દ્વારા અરજી કરવામાં આવી હતી. ત્યારે અગાઉ જયસુખભાઇ પટેલે તેમનો કોર્ટમાં જમા કરાવેલ પાસપોર્ટ કોર્ટમાંથી એક મહિના માટે પાછો મેળવ્યો હતો અને ત્યાર બાદ તેઓ વિદેશ ગયા ન હતા જેથી આ સહિતની બાબતોને ધ્યાને રાખીને જિલ્લાના સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાન રાખીને કોર્ટ દ્વારા હાલમાં જયસુખભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ અરજીને રદ કરવામાં આવી છે.




