HomeAllમોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ₹૧.૧૦ લાખની...

મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ₹૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ

દિકરીઓને શિક્ષણ અને લગ્ન સમયે આર્થિક સુરક્ષાની સરકારની ખાતરી; વાર્ષિક રૂ. ૨ લાખ થી ઓછી આવક ધરાવતા પરિવારોને મળશે લાભ

              ગુજરાત સરકાર દ્વારા દિકરીઓના જન્મદરને પ્રોત્સાહન આપવા, સ્ત્રી શિક્ષણનો વ્યાપ વધારવા અને સમાજમાં સ્ત્રીઓના સ્થાનને વધુ મજબૂત બનાવવાના ઉમદા હેતુથી અમલી બનાવાયેલી ‘વહાલી દિકરી’ યોજનાનો મહત્તમ લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ફોર્મ ભરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વર્ષ ૨૦૧૯થી અમલમાં આવેલી આ યોજના અંતર્ગત દિકરીના જન્મને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કુલ ₹૧.૧૦ લાખની માતબર આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. જેમની વાર્ષિક સંયુક્ત આવક ₹૨ લાખથી ઓછી હોય અને તેઓએ દિકરીના જન્મના એક વર્ષની મર્યાદામાં અરજી કરેલી હોય તેવા માતા-પિતા આ યોજનાનો લાભ લઈ શકશે.

              આ યોજના હેઠળ સહાયની રકમ લાભાર્થી દિકરીને ત્રણ મહત્વના તબક્કે ચૂકવવામાં આવે છે. જેમાં દિકરી જ્યારે પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે પ્રથમ હપ્તા તરીકે ₹૪,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે, ત્યારબાદ દિકરીના શિક્ષણને વેગ આપવા નવમા ધોરણમાં પ્રવેશ વખતે બીજા હપ્તા તરીકે ₹૬,૦૦૦/- ની રકમ મળવાપાત્ર થાય છે. યોજનાનો મુખ્ય અને અંતિમ હપ્તો દિકરી જ્યારે ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે ₹૧,૦૦,૦૦૦/- ની માતબર રકમ આપવામાં આવે છે, જોકે આ લાભ મેળવવા માટે દિકરીના બાળ લગ્ન થયેલ ન હોવા જોઈએ તે અનિવાર્ય શરત છે.

              મોરબી જિલ્લામાં આ યોજનાનો વ્યાપ વધારવા માટે ગ્રામ પંચાયત કચેરી ખાતે VCE મારફત અથવા સંબંધિત વિસ્તારની મામલતદાર કચેરી ખાતે ઓનલાઈન ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત, જાગૃત નાગરિકો પોતે પણ ઈ-મહિલા કલ્યાણ પોર્ટલ (https://emahilakalyan.gujarat.gov.in) ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી સાથે દિકરીનું જન્મનું પ્રમાણપત્ર, દિકરી અને માતા-પિતાના આધારકાર્ડ, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, રેશનકાર્ડ, આવકનો દાખલો, બેંક પાસબુકની નકલ અને નિયત નમૂના મુજબનું એકરારનામું રજૂ કરવાનું રહેશે. યોજના અંગે વધુ વિગતવાર માહિતી કે માર્ગદર્શન માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા સેવાસદન, શોભેશ્વર રોડ, મોરબીનો રૂબરૂ સંપર્ક કરવા અથવા વ્હોટ્સએપ નંબર ૯૧૨૮૨૨૨ ૪૦૪૨૪ પર સંપર્ક કરવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!