
મોરબી જિલ્લા પ્રભારી મંત્રી તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ કલેક્ટર કચેરી મોરબી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

અને ત્યારે પ્રભારી મંત્રીએ જીલ્લામાં સમય મર્યાદામાં રોડ રસ્તાના સમારકામના કામો પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે તેવી ટકોર કરી હતી. પ્રભારી મંત્રીએ આ બેઠકમાં મોરબી જિલ્લાની તમામ વિગતો મેળવીને કહ્યું હતું કે, મોરબી ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ અને સામાજિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો જિલ્લો છે.

જિલ્લાની પરિસ્થિતિ જોઈએ તો મોરબી ‘મોર્ડન ડિસ્ટ્રિક્ટ’ બની શકે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે ત્યારે સૌ મળી આ દિશામાં સંયુક્ત પ્રયાસ કરે તે જરૂરી છે. રોડ રસ્તાની પરિસ્થિતિ અંગે મંત્રીએ સમીક્ષા કરતા જણાવ્યું હતું કે,

લોકોને સુવ્યવસ્થિત વાહન વ્યવહાર માટે સારા રોડ રસ્તા મળી રહે તે જરૂરી છે જેથી ચોમાસામાં નુકસાનગ્રસ્ત માર્ગોનો સમય મર્યાદામાં સમારકામ કરવામાં આવે તે અનિવાર્ય છે.

વધુમાં તેમણે તમામ કામગીરીમાં ગુણવત્તા જળવાઈ અને સરકારી નાણાનો યોગ્ય તેમજ કાર્યક્ષમ ઉપયોગ થાય તેવી તાકીદ કરી હતી. હાલ કમોસમી વરસાદના કારણે નુકસાન ગ્રસ્ત વિસ્તારની વાત કરતા મંત્રીએ તમામ ખેડૂતોને રાહત પેકેજનો લાભ મળે અને કોઈ ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે તાકીદ કરી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી મંત્રીને મોરબી જિલ્લા વિશેની માહિતી આપી હતી અને હાલ જિલ્લાની સ્થિતિ અંગે તેમને વાકેફ કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, મોરબીના ઇન્ચાર્જ કલેક્ટર સ્વપ્નિલ ખરે, એસપી મુકેશકુમાર પટેલ સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા.

