
સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી શરૂ થયેલા ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન’ હેઠળ મોરબી જિલ્લામાં અલગ-અલગ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે કુલ 3 હજારથી વધુ સ્ક્રીનિંગ કેમ્પ તથા 225 થી વધુ સ્પેશિયાલિસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો જિલ્લાના આશરે 70 હજાર જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.

વિગતે વાત કરીએ તો, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી.કે. શ્રીવાસ્તવ દ્વારા જણાવવામાં આવેલી વિગતો અનુસાર જેમાં ગંભીર હાયપરટેન્શન ધરાવતા 330 દર્દીઓ અને ડાયાબિટીસ ધરાવતા 328 દર્દીઓની શોધ કરી તેમને યોગ્ય સારવાર અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતુ. 1500 જેટલા આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

આરોગ્ય વિભાગે સગર્ભા અને પ્રસુતા માતાઓ તેમજ બાળકોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપ્યું હતું અને કુલ 5718 મહિલાઓની પ્રિ-નેટલ અને પોસ્ટ-નેટલ તપાસ કરવામાં આવી હતી. જ્યારે 4323 લાભાર્થીઓનું એનીમિયા માટે સ્ક્રીનિંગ કરાયું હતું. બાળકોને 3379 રસીકરણ ડોજ આપવામાં આવ્યા હતા તેમજ ટી.બી.ની તપાસ અંતર્ગત 8553 સ્ક્રીનિંગ કરવામાં આવ્યા હતા અને 114 નિક્ષય મિત્રની નોંધણી થઈ છે.

સ્ક્રીનિંગ કેમ્પમાં કુલ 15756 લેબોરેટરી ટેસ્ટ અને 210 એક્સ-રે તપાસ જેવી નિદાન સેવાઓ નિ:શુલ્ક પૂરી પાડવામાં આવી હતી. વધુ સારવાર માટે 220 લોકોને રેફરલ કરાયા હતા. જિલ્લામાં કુલ 3 હજાર જેટલા આરોગ્ય કેમ્પનો આશરે 70 હજાર જેટલા લોકોએ લાભ લીધો હતો.




















