HomeAllમોરબી : ખોખરા હનુમાન હરિહરધામ ખાતે હનુમાન જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

મોરબી : ખોખરા હનુમાન હરિહરધામ ખાતે હનુમાન જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

મોરબી : મોરબીના બેલા-ભરતનગર નજીક આવેલ ખોખરા હનુમાન હરિહરધામ ખાતે આગામી તા. ૧ એપ્રિલ, બુધવારના રોજ હનુમાન જયંતિના પાવન અવસરને અનુલક્ષીને ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ધાર્મિક, શૈક્ષણિક, આધ્યાત્મિક તેમજ ગૌસેવા જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતું આ પવિત્ર ધામ મહામંડલેશ્વર પૂજ્ય માઁ કનકેશ્વરીદેવીના પાવન સાન્નિધ્યમાં આ ઉત્સવને ભક્તિમય અને ભવ્ય સ્વરૂપે ઉજવવા સજ્જ બન્યું છે.

મહોત્સવની શરૂઆત સવારે ૯:૦૦ કલાકે અખંડ રામધૂનથી થશે, જેમાં ભાવિકો ભક્તિભાવ સાથે જોડાઈ શકશે. ત્યારબાદ બપોરે ૧૨:૦૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો લાભ લઈ શકશે.

હનુમાન જયંતિના આ પાવન પ્રસંગે રાત્રે ૯:૩૦ કલાકે ભવ્ય સંતવાણી અને ડાયરાનો કાર્યક્રમ યોજાશે. આ વિશેષ કાર્યક્રમમાં જાણીતા હાસ્ય કલાકાર, લોકસાહિત્યકાર અને કેળવણીકાર સાંઈરામ દવે તેમજ પ્રખ્યાત ભજનિક દેવ ભટ્ટ ગ્રુપ ભજનો, સાહિત્ય અને ભક્તિરસથી સભર રજૂઆતો દ્વારા ભક્તોને મંત્રમુગ્ધ કરશે.

આ કાર્યક્રમને લઈ કલાકાર સાંઈરામ દવે દ્વારા ખાસ વિડિયો સંદેશ પણ જારી કરવામાં આવ્યો છે. જેમાં તેમણે હનુમાન દાદાના ગુણગાન સાથે લોકસાહિત્ય અને સંતવાણીની અનોખી મોજ માણવા ભાવિકોને ઉમળકાભેર આમંત્રણ પાઠવ્યું છે.

ખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ (બેલા-ભરતનગર) દ્વારા મોરબી સહિત આસપાસના વિસ્તારોની ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર પ્રસંગે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન, મહાપ્રસાદ અને સંતવાણીનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments