
“મોરબી મારું છે, તો તેને સાફ રાખવાની જવાબદારી પણ મારી જ છે!” – આ સંકલ્પ સાથે મોરબીના યુવાનો દ્વારા આવનાર રવિવારે વિશાળ મોરબી ક્લીન અપ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે આ અભિયાન એક સકારાત્મક પહેલ બની રહેશે.

આ અભિયાન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્લાસ્ટિક કચરો દૂર કરવા, જાહેર સ્થળોની સફાઈ કરવા અને સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા માટે યુવાઓ, સામાજિક સંસ્થાઓ અને જાગૃત નાગરિકો જોડાશે. આયોજકોનું માનવું છે કે “ફક્ત વાતો નહીં, હવે કામ કરીશું” – અને આ જ વિચાર સાથે મોરબીના નાગરિકોને રવિવારની રજા શહેરની સફાઈના નામે અર્પણ કરવાની અપીલ કરવામાં આવી છે.

“શું તમે તમારા શહેરને પ્રેમ કરો છો? તો સાબિત કરવાનો મોકો આ રવિવારે છે.” – આ સંદેશ સાથે શહેરના દરેક વયના નાગરિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આયોજકો જણાવે છે કે ફક્ત ૨ કલાકનો સમય મોરબીના આગામી ૨૦ વર્ષને સુધારી શકે છે.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ માત્ર સફાઈ કરવો જ નથી, પરંતુ શહેરમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવીને લાંબા ગાળે ગંદકી સામે લડત આપવાનો છે. “આપણું ઘર આપણે સાફ રાખીએ છીએ, તો આપણું શહેર કેમ નહીં?” – આ વિચાર સાથે મોરબીને સ્વચ્છતા મામલે નંબર 1 બનાવવા માટે યુવાનો મેદાનમાં ઉતરશે.
















