નવા મહાજન મંડળની રચના આગળ વધશે: સંસ્થાને વધુ સશક્ત બનાવવાનો સંકલ્પ

મોરબી શ્રી લોહાણા સમાજ ની એકતા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મોરબી ખાતે લોહાણા સમાજની તમામ સંસ્થાઓનું વિશાળ અને સુમેળભર્યું સ્નેહમિલન યોજાયું હતું આ સ્નેહમિલન દ્વારા શ્રી લોહાણા મહાજન સંસ્થાને વધુ સશક્ત, સક્રિય તથા વિકાસશીલ બનાવવાનો સંકલ્પ સર્વસંમતિથી લેવામાં આવ્યો હતો.

નવા ડેલા રોડ સ્થિત વિશાશ્રી વાડી ખાતે લોહાણા સમાજનું સ્નેહમિલન યોજાયું હતું આ કાર્યક્રમમાં મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોની લોહાણા સમાજની તમામ નામાકિંત સંસ્થાઓના આગેવાનો, હોદેદારો, કાર્યકર્તાઓ અને સમાજસેવી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અને લોહાણા સમાજની તમામ સંસ્થાઓ તથા સમાજના આગેવાનો હવેથી એક થઈ સમાજના દરેક કાર્યમાં જોડાશે અને જ્ઞાતિમાં સંપ રહે તેવા તમામ પ્રયત્નો કરશે અને યુવાનોને માર્ગદર્શન આપશે. સાથે જ શિક્ષણ, ઉદ્યોગ, વેપાર, સેવા અને સામાજિક ક્ષેત્રોમાં ઉચ્ચ સ્થાન પર બિરાજમાન સમાજના મોભીઓ અને શ્રેષ્ઠીઓની હાજરીએ કાર્યક્રમની શોભા વધારી હતી.

આ સ્નેહ મિલન દરમિયાન મોરબીના લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા એવી શ્રી લોહાણા મહાજન સંસ્થાના ભૂતકાળ, વર્તમાન અને ભાવિ વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમાજમાં એકતા, સંગઠન અને પરસ્પર સહકાર કેવી રીતે વધુ મજબૂત બને તેમજ યુવાનો, મહિલાઓ અને આગામી પેઢીને સંગઠન સાથે જોડીને સમાજને નવી દિશા કેવી રીતે આપી શકાય તે મુદ્દાઓ પર ગંભીર અને રચનાત્મક ચિંતન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન મહાજનના પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ ઘેલાણી તથા મહાજનની વર્તમાન ટીમ દ્વારા સમાજની સર્વસંમતિથી નવા મહાજન મંડળની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે સમાજના અનુભવી અને સેવાભાવી આગેવાન અશોકભાઈ કાથરાણીની પસંદગી કરવામાં આવી હતી. તો ઉપપ્રમુખ તરીકે જમનભાઈ હિરાણી, મહામંત્રી તરીકે પ્રફુલભાઈ પોપટની નિમણૂંક જાહેર કરવામાં આવી હતી.

આ તકે મહાજન મંડળના પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ ઘેલાણી, નીતિનભાઈ પોપટ, હરીશભાઈ રાજા તથા તેમની સમગ્ર ટીમનું મોરબી લોહાણા સમાજના આગેવાનો દ્રારા સન્માન કરાયું તથા નવા મહાજન મંડળને વર્તમાન ટીમે સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. અને કાયદાકીય અને સંવિધાનિક પ્રક્રિયા મુજબ જરૂરી તમામ કાર્યવાહી પૂર્ણ કરી સમાજને નવા મહાજન મંડળની રચના માટે સહકાર આપવાની તૈયારી દર્શાવી હતી. આ એકતા અને સમર્પણ સમાજ માટે એક સકારાત્મક અને ઐતિહાસિક પગલું ગણાયું હતું.











