

મોરબી શહેરના માધાપર રોડ પર ચાલી રહેલા માર્ગ નિર્માણ કાર્યની ધીમી ગતિ અને વારંવાર ઉભા થતા ટ્રાફિક પ્રશ્નોને લઈને સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેના પરિણામે આજે સવારથી મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈ “રસ્તા રોકો” આંદોલન શરૂ કર્યું હતું.
સ્થાનિકોના જણાવ્યા મુજબ લાંબા સમયથી રોડનું કામ ન થતું હોવાથી ધૂળ અને ખાડાઓના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે. ખાસ કરીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓએ પણ વ્યવસાય પર પડતા પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આંદોલન દરમિયાન થોડો સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તંત્ર સ્થળ પર પહોંચ્યું અને પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો.
સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

















