નવા વર્ષમાં લોકોને સારા ગાર્ડન, લાયબ્રેરી, રોડ સહિતની સુવિધા આપવાની નેમ : કમિશનર સ્વપ્નિલ ખરે

મોરબી મહાપાલિકાની રચના કરવામાં આવી તેને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે ગઈકાલે આતિશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ટંકારાના ધારાસભ્ય, મોરબી મહાપાલીકાના કમિશનર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ, રાજકીય આગેવાનો તથા મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા અને આગામી વર્ષમાં લોકોને સારા ગાર્ડન, લાયબ્રેરી, કોમ્યુનિટી હોલ, સારા રોડ રસ્તા સહિતની અનેક સુવિધાનો લાભ મળશે તેવું કમિશનરે જણાવ્યું છે.

રાજ્યમાં ગત તા. 1/1/25 પહેલા 8 મહાનગરપાલિકાઓ હતી અને ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા એકીસાથે નવી 9 મહાનગરપાલિકાઓની રચના કરી હતી જેમાં મોરબી નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે સ્વપ્નિલ ખરેની નિમણૂક કરવામાં આવી હતી.

છેલ્લા એક વર્ષથી મોરબી શહેરના લોકોની સુખાકારીમાં વધારો થાય તેમજ ગેરકાયદેસર જે કોઈ બાંધકામો હોય તે તોડવા સહિતની કામગીરી તેઓના માર્ગદર્શન હેઠળ જુદા જુદા વિસ્તારોની અંદર કરવામાં આવી રહી છે દરમિયાન મોરબી મહાનગરપાલિકા બની તેને એક વર્ષ પૂર્ણ થતું હોય મોરબી સનાળા ગામ પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે ગઈકાલે આતિશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જેમાં ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા અને સંજય સોની સહિતના જુદા જુદા વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં મોરબીના નગરજનો હાજર રહ્યા હતા વધુમાં કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે મહાપાલિકાને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયું છે.

ત્યારે 4.50 લાખ રૂપિયાના ખર્ચે 40 મિનિટ સુધી આતિશબાજીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં મોરબીના લોકોને સારા ગાર્ડન, સારી લાઇબ્રેરી, સારા રોડ રસ્તા સહિતની સુવિધાઓ મળે તેના માટેના વિકાસ કામો હાથ ધરવામાં આવશે.












