HomeAllમોરબી મનપાનું 1132.38 કરોડનું બજેટ મંજૂર : 9 મુખ્ય રસ્તા - 6...

મોરબી મનપાનું 1132.38 કરોડનું બજેટ મંજૂર : 9 મુખ્ય રસ્તા – 6 તળાવનું કરાશે બ્યુટીફીકેશન

મોરબી શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ, ટ્રાફિક વ્યવસ્થા, જાહેર સુવિધાઓ અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો આવે તેવા આયોજન સાથે મહાપાલિકાના કમિશનર અને તેની ટીમે બજેટ બનાવ્યું છે

અને શુક્રવારે મોરબી કલેક્ટર ઓફિસના કોન્ફરન્સ હોલમાં મહાપાલિકાના વહીવટદારની હાજરમાં કમિશનર દ્વારા વર્ષ 2026-27 નું 1132.38 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં શહેરના હેરીટેજ સ્થળોનો વિકાસ, સ્માર્ટ રોડ્સ, આધુનિક લાઈટિંગ અને પાણી-ગટર વ્યવસ્થાના મજબૂતીકરણ માટે કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલ છે.

કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા વહીવટદાર અને જિલ્લાના કલેક્ટર કે.બી.ઝવેરી સમક્ષ વર્ષ 2026-27 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા અને મહાપાલિકાના પ્રથમ બજેટ કરતાં પણ મોટા કદનું બજેટ એટ્લે કે અધધધ કહી શકાય તેવું 1132.38 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.

મોરબી મહાપાલિકાનું વર્ષ 2025-26 નું કુલ બજેટ 783.02 કરોડ હતું, જેના અંતર્ગત શહેરમાં માર્ગ વ્યવસ્થા, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, શહેરી હરિયાળી અને જાહેર સુવિધાઓના વિકાસ માટે વિવિધ મહત્વપૂર્ણ કામો હાથ ધરવામાં આવ્યા હતા.

જો કે, વર્ષ 2026-27 નું બજેટ બનાવતા પહેલા મોરબીના લોકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા અને લોકોને મહાપાલિકાના બજેટ સાથે જોડાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં કુલ મળીને 149 સૂચનો આવ્યા હતા જેમાંથી આ વર્ષના બજેટમાં 64 સૂચનો સમાવેશ કરવામાં આવેલ છે.

કમિશનર સ્વપ્નિલ ખરેએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે, વર્ષ 2026-27 નું મહાપાલિકાનું બજેટ 1132.38 કરોડ નક્કી કરવામાં આવ્યું છે, આ વર્ષના બજેટ માટે “મારવેલસ મોરબી 2.0” થીમ રાખવામાં આવી છે, જેના અંતર્ગત મોરબીને આધુનિક, સ્વચ્છ, સુવ્યવસ્થિત અને નાગરિકમૈત્રી શહેર તરીકે વિકસાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ખાસ કરીને ટ્રાફિકને ધ્યાને રાખીને આઉટગ્રોથ કનેક્ટિવિટી માટે નવા 6 રોડ બનશે તેના માટે 55 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. જેમાં લીલાપર રોડ, રવાપર રોડ, દલવાડી સર્કલ રોડ, પંચાસર રોડ, વાવડી રોડ, નવલખી રોડને જોડતો કેનાલ રોડનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત “વોકેબલ મોરબી” અંતર્ગત રોડ બ્યુટીફીકેશન માટે 20 કરોડ, 24 સર્કલના નવીનીકરણ માટે 8.51 કરોડ, 9 મુખ્ય રસ્તાઓના બ્યુટીફીકેશન માટે 15 કરોડ, વાઇટ ટોપિંગ રોડ માટે 32.57 કરોડ, નવા રસ્તા અને રીસફેસિંગ માટે 70 કરોડ, નહેરૂ ગેટથી દરબારગઢ હેરીટેજ વોક-વે માટે 15 કરોડ, મણીમંદિર ડાયનેમિક લાઈટ એન્ડ સાઉન્ડ શો માટે 3.19 કરોડ, વોટર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અપગ્રેડેશન માટે 49.51 કરોડ, બે નવા જઝઙના નિર્માણ માટે 78 કરોડ, ડ્રેનેજ લાઇનના વિકાસ માટે 21.97 કરોડ, માર્કેટ રીડેવલપમેન્ટ માટે 35 કરોડ, 6 તળાવના બ્યુટીફીકેશન માટે 72 કરોડ, પોકેટ ગાર્ડન, બોટેનિકલ ગાર્ડન અને ઑકસીજન પાર્ક માટે 8 કરોડ, શહેરના ઐતિહાસિક સ્થળોએ ડાયનેમિક લાઈટિંગ માટે 5 કરોડ, મોડર્ન લાઈબ્રેરી માટે 30 કરોડ, કેસરબાગ ખાતે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે 10.27 કરોડ અને એનિમલ હોસ્ટેલ માટે 5 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!