

મોરબી : મોરબી શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઈલ મળતા સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. ઈમેઈલ મળતા જ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઈમેઈલમાં બપોરે 1 વાગ્યે મોરબી પોસ્ટ ઓફિસમાં બોમ્બ વિસ્ફોટ થવાની ધમકી આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસમાં હાજર તમામ કર્મચારીઓ અને ગ્રાહકોને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

સ્થળ પર એ-ડિવિઝન પોલીસ મથકના ત્રણ પીઆઈ સહિતનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર પોસ્ટ ઓફિસ પરિસરની સઘન તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં સરકારી કચેરીઓ અને સંસ્થાઓને ઈમેઈલ મારફતે બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળવાના બનાવોમાં વધારો નોંધાયો છે. આવા ધમકીભર્યા ઈમેઈલને કારણે સુરક્ષા એજન્સીઓમાં ચકચાર મચી જાય છે તેમજ લોકોમાં પણ ભયનો માહોલ સર્જાય છે. મોરબી પોસ્ટ ઓફિસને મળેલી ધમકી પણ આ જ પ્રકારની ઘટનાઓનો ભાગ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.











