સ્ત્રીઓમાં કળા, આત્મનિર્ભરતા અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપતો અનોખો કાર્યક્રમ


મોરબી, તા. 26 જુલાઈ 2025 – પાયલ મેક ઓવર, મોરબી દ્વારા શનિવારના રોજ મોરબીના સતવારા સમાજ વાડી ખાતે ‘મહેંદી ક્વીન મોરબી સ્પર્ધા 2025’ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ત્રણ વિભાગોમાં યોજાઈ હતી. વિભાગ A: એડવાન્સ બ્રાઈડલ મહેંદી વિભાગ B: બ્રાઈડલ મહેંદી વિભાગ C: બિગિનર મહેંદી આ રસપ્રદ અને સર્જનાત્મક સ્પર્ધામાં મોરબી અને આસપાસના વિસ્તારોમાંથી કુલ 75 મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ સ્પર્ધાનું મુખ્ય હેતુ મહિલાઓમાં રહેલી છૂપી કળાને પ્રોત્સાહન આપવું અને તેમને આવકના નવા માર્ગો બતાવવો હતો. તેમજ, તેમને ઘરના કામ, અભ્યાસ અથવા નોકરીની સાથે-સાથે પાર્ટટાઈમ વ્યવસાયમાં આગળ વધવા પ્રેરણા મળે આવો અભિગમ સ્પર્ધાની પૃષ્ઠભૂમિમાં રહેલો હતો. સ્પર્ધાનું સંચાલન પાયલ મેક ઓવરની માલિક અને આ કાર્યક્રમની આયોજિકા પાયલબેન પેથાણીએ ખૂબ જ અસરકારક રીતે સંભાળ્યું હતું.


ન્યાયાધીશોનું મૂલ્યાંકન અને પ્રતિસાદ : સ્પર્ધાનું મૂલ્યાંકન કરવું ન્યાયાધીશો માટે પણ પડકારરૂપ બન્યું હતું. હંમેશાની જેમ દરેક સ્પર્ધકે પોતાનું શ્રેષ્ઠ આપી મહેંદીની કળા દ્વારા પોતાની ઓળખ ઉભી કરી હતી. મૂખ્ય નિર્ણયકર્તાઓ તરીકે ડાયમંડ બ્યુટી સલૂનની માલિક આયમનબેન, જાણીતા મહેંદી આર્ટિસ્ટ ધરતીબેન અને ભાવિકાબેન ઉપસ્થિત રહ્યા હતા.

વિજેતાઓની યાદી વિભાગ A (એડવાન્સ બ્રાઇડલ): 1. અંકિતા આડેસરા 2. કાજલ ક્રિષ્ણાણી 3. ભાવિની જીંઝૂવાડીયા, વિભાગ B (બ્રાઇડલ): 1. સ્નેહા ગોહિલ 2. મકવાણા જાનવી 3. રુકશાર સમા, વિભાગ C (બિગિનર): 1. ઉજાલી કાનાણી 2. બિંકલ ઝાલરીયા 3. ખુશી કોઠારી વિજેતા જાહેર કરાયા હતા.


વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશિષ્ટ ઉપસ્થિતિ અને મહિલા શક્તિના આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના અગ્રણી મહિલા સમાજસેવી શ્રીમતી આરતી રત્નાણી તથા અન્ય પ્રતિષ્ઠિત સલૂન માલિકોએ વિશિષ્ટ હાજરી આપી હતી. આ સ્પર્ધા એ સાબિત કરે છે કે મહિલાઓ પોતાના ગૃહસ્થ જીવનની સાથે હવે કૌશલ્ય દ્વારા મંચ પર પોતાની ઓળખ બનાવી રહી છે. મહેંદી જેવી લોકપ્રિય કળા હવે માત્ર ઘરની દીવાલો સુધી સીમિત રહી નથી, પરંતુ મોરબીની ઓળખ બની રહી છે.


























