

વર્તમાન વૈશ્વિક યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ઉદ્યોગોને ઊભી થયેલી પડકારજનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર તથા Gujarat Mineral Development Corporation (GMDC) દ્વારા ઉદ્યોગો સાથે સક્રિય સંવાદ શરૂ કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં મોરબી ખાતે મોરબી પેપર મિલ્સ એસોસિએશન અને GMDC વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ બેઠક દરમિયાન હાલ ચાલી રહેલી વૈશ્વિક પરિસ્થિતિને કારણે પેપર ઉદ્યોગ સામે ઊભી થયેલી સમસ્યાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને આયાતી વેસ્ટ પેપરના વધતા ભાવ, સમુદ્રી ભાડામાં થયેલા વધારા અને સપ્લાય ચેઇનમાં આવેલા વિક્ષેપને કારણે પેપર ઉદ્યોગ પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. કારણ કે ભારતના મોટા ભાગના પેપર મિલો આયાતી વેસ્ટ પેપર પર આધારિત છે.

આ પરિસ્થિતિમાં મોરબી પેપર મિલ્સ એસોસિએશને GMDC સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ રજૂઆતો કરી હતી, જેમાં ખાસ કરીને મુશ્કેલ સમયગાળામાં લિગ્નાઇટના ભાવમાં સ્થિરતા જાળવવા, નિયમિત ખરીદદારોને પ્રાથમિકતા સાથે એલોકેશન આપવાનું ચાલુ રાખવા તથા લિગ્નાઇટની ગુણવત્તામાં સ્થિરતા જાળવવા જેવી માંગણીઓ સામેલ છે.

મોરબી પેપર મિલ્સ એસોસિએશન ગુજરાત સરકાર, મોરબી વિસ્તારના ધારાસભ્યો દુલર્ભજીભાઈ દેથરિયા અને ધારાસભ્ય તેમજ મંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા GMDCના અધિકારીઓનો આભાર વ્યક્ત કરે છે કે તેઓએ ઉદ્યોગોની સમસ્યાઓને ગંભીરતાથી સાંભળી અને આ મુશ્કેલ સમયમાં ઉદ્યોગોને સહકાર આપવા માટે સકારાત્મક અભિગમ દર્શાવ્યો છે.

એસોસિએશનને આશા છે કે સરકાર અને GMDC તરફથી મળતા સહકારથી મોરબીનો પેપર ઉદ્યોગ આ પડકારજનક સમયગાળામાં પણ સ્થિર રીતે આગળ વધશે અને પ્રદેશના ઔદ્યોગિક વિકાસમાં યોગદાન આપતો રહેશે.
















