મોરબી : તંત્રીઓની છબી દૂષિત કરવાના ષડ્યંત્ર મામલે પ્રેસ કાઉન્સિલે રાજ્ય તંત્રને લપેટ્યું



મોરબીમાં તાજેતરમાં એક ગંભીર દમનકારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં સ્થાનિક પોલીસ તંત્ર, કેટલાક સ્વઘોષિત પત્રકારો, પેટ્રોલપંપના માલિક તથા એક ખૂની રાજકીય શખ્સ દ્વારા મળીને અખબાર તંત્રીઓ વિરુદ્ધ ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું. અને બંને તંત્રીઓ પર એક્સટોર્શનનો ખોટો કેસ કરવામાં આવ્યો હતો.

આ કાવતરાની પૃષ્ઠભૂમિએ, દિવ્યક્રાંતિ અખબારના તંત્રી શ્રી જયદેવ બુદ્ધભટ્ટી અને લોકજ્વાલા અખબારના તંત્રી શ્રી મયુર બુદ્ધભટ્ટી વિરુદ્ધ બનાવટી કેસ દાખલ કરી પોલીસે તેમને કાયદેસર રીતે ધરપકડ કરી હતી. ત્યારપછી તેમને પોલીસ મથકે આઇસોલેટ કરી પ્રેસ કોન્ફરન્સ દ્વારા તેમના ફોટા પત્રકાર પરિષદ અને સોશિયલ મીડિયામાં જાહેર કરવામાં આવ્યા હતા, જેના કારણે બંને તંત્રીઓની સામાજિક પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન થયું છે.

આ સમગ્ર ઘટના સામે બંને પીડિત તંત્રીઓ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ ૨૧ વિભાગોમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. પરિણામે, પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ મામલામાં તત્કાલ હસ્તક્ષેપ કરતાં મોરબી જિલ્લાના એસ.પી. અને ગુજરાત રાજ્યના ડીજીપીને નોટિસ ફટકારી છે.

પ્રેસ કાઉન્સિલે આપેલા નિવેદન અનુસાર, આ કાર્યવાહી પ્રેસ કાઉન્સિલ અધિનિયમ-1978 ની કલમ 13(1) તથા કલમ 15(4) હેઠળ હાથ ધરવામાં આવી છે અને આરોપિત અધિકારીઓને 15 દિવસની અંદર પોતાની સ્પષ્ટ સ્થિતી રજૂ કરવાની ફરજ પડે તેવી સૂચના આપવામાં આવી છે. નિર્ધારિત સમયગાળામાં સ્પષ્ટ જવાબ નહીં આપવમાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું સ્પષ્ટ સૂચવાયું છે.

પ્રેસ કાઉન્સિલે જણાવ્યું છે કે, પ્રાથમિક દૃષ્ટિએ આ ઘટનાને પત્રકારો વિરુદ્ધ દમનકારી કાર્યવાહી માનવામાં આવે છે, જે પત્રકારોની સ્વતંત્રતાને ગંભીર રીતે નુકસાન કરતી પ્રવૃત્તિ ગણાય છે. પત્રકારિતાની સ્વતંત્રતા લોકશાહીનો ચોથો સ્તંભ છે અને તેની રક્ષા માટે જવાબદાર તંત્રોને જવાબદેહ બનાવવા કાયદો સક્ષમ છે.

આ ઘટનાને મોરબીના પત્રકારત્વના ઈતિહાસમાં એક શરમજનક કિસ્સા તરીકે નોંધવામાં આવી રહી છે, જેમાં નિર્દોષ તંત્રીઓની છબીને દૂષિત કરવા સત્તાધારીઓ દ્વારા એડી ચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. હાલ પીડિત તંત્રીઓ ન્યાયની રાહ જોઈ રહ્યા છે અને સમગ્ર પત્રકાર જગત આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યો છે.

























