
મોરબીમાં મંગળવારે વહેલી પરોઢે ઇન્કમટેક્સ વિભાગે મોટા પાયે દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. મોરબીના જાણીતા લીવા, લેવીસ સિરામિક ગ્રુપ, ઈડન હિલ ગ્રુપ, મેટ્રો ગ્રુપ સહિત બિલ્ડરો તથા તેમની સાથે સંકળાયેલી આંગડિયા પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
આ અભિયાનમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ અને સુરતની ટીમો પણ જોડાઈ હતી. કુલ 40 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને અંદાજે 150 જેટલા અધિકારીઓ તપાસમાં જોડાયા છે. સૂત્રોના મતે, પ્રાથમિક તબક્કે ત્રણેક કરોડથી વધુ રોકડ મળી આવી છે.

ઇન્કમટેક્સની તપાસ દરમ્યાન ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોના કેટલાક શંકાસ્પદ વ્યવહારો સામે આવતા, કાર્યવાહીનો વ્યાપ વધારીને મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલી માધવ મગન આંગડિયા પેઢી સુધી લંબાવવામાં આવ્યો હતો.

વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, આ સંયુક્ત દરોડાની કાર્યવાહી હજુ એક અઠવાડિયા સુધી ચાલુ રહેવાની સંભાવના છે. વધુમાં, દરોડાની કાર્યવાહી ગુપ્ત રહે તે માટે અધિકારીઓને પહેલેથી જ અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા અને ત્યાંથી મોરબી તથા રાજકોટ મોકલવામાં આવ્યા હતા.















