વૈશ્વિક કક્ષાની સ્પર્ધા સિરામિક ઉદ્યોગને વધુ સક્ષમ બનાવશે: મંત્રી પિયુષ ગોયલ

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની પ્રેરક ઉપસ્થિતિમાં એક્ઝિબિશન ડોમ ખાતે સિરામિક સેમિનારમાં 1460 કરોડના એમ.ઓ.યુ. સંપન્ન થયા હતા. જેમાં મોરબી સિરામિક એસોશિયનના પ્રમુખ અને બ્લુઝોન વિટ્રીફાઇડ ગ્રુપના ચેરમેન મનોજભાઇ એરવાડીયાએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-રાજકોટ ખાતે રાજ્ય સરકાર સાથે 200 કરોડનુ એમઓયુ કર્યું છે.

મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાયેલી રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે મોરબી ખાતે ધમધમતા સીરામીકના 800 પ્લાન્ટ માટે સરકાર ઉચ્ચકક્ષાની લેબોરેટરી સ્થાપવા માટે સક્રિયપણે વિચારી રહી છે. વૈશ્વિક બજારમાં ઊભી થયેલી સિરામિક ક્ષેત્રની માંગને પહોંચી વળવા માટે સીરામીક ઉદ્યોગે સતત અને સખત સંશોધનો પર વિશેષ ભાર મૂકવો પડશે.

ઉચ્ચ કક્ષાના ગુણવત્તા નિયમન પ્રત્યે સીરામીક ઉધોગોએ આંખ આડા કાન કરવા નહીં ચાલે. વૈશ્વિક કક્ષાની સ્પર્ધા સિરામિક ઉદ્યોગને વધુ સક્ષમ બનાવશે, વિકસિત ભારત, વિકસિત ગુજરાત, વિકસિત સૌરાષ્ટ્રની શરૂઆત વિકસિત મોરબી થી કરવા માટે બધા કટિબદ્ધ બનીએ, તેઓ અનુરોધ મંત્રી ગોયલે ઉપસ્થિતોને કર્યો હતો.













