
ઉનાળાની તીવ્ર ગરમીમાં પક્ષીઓ માટે પીવાના પાણીની તંગી ન સર્જાય તે હેતુસર મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા માનવતાભર્યો કાર્યક્રમ યોજાયો હતો. ફાઉન્ડેશનના પ્રમુખ અજયભાઈ લોરિયાના માર્ગદર્શન હેઠળ પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને સેવાભાવી લોકો હાજર રહ્યા હતા. વિતરણ દરમિયાન લોકોને પોતાના ઘર, ગેલેરી, છત તેમજ જાહેર સ્થળોએ કુંડા મૂકી પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવાની અપીલ કરવામાં આવી હતી.

અજયભાઈ લોરિયાએ જણાવ્યું હતું કે ઉનાળામાં પક્ષીઓ માટે પાણી ઉપલબ્ધ રહેવું ખૂબ જ જરૂરી છે અને સમાજના દરેક વ્યક્તિએ આ કાર્યમાં સહભાગી થવું જોઈએ. આ પ્રકારની પહેલ દ્વારા પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને જીવદયા જેવી ભાવનાઓને પ્રોત્સાહન મળે છે.
કાર્યક્રમ અંતે તમામ ઉપસ્થિત લોકોએ પક્ષીઓ માટે પાણી રાખવાની પ્રતિજ્ઞા લીધી અને ફાઉન્ડેશનના આ સેવાકાર્યને સરાહના કરી હતી.













