
મોરબી: Savvy International Schoolના વિદ્યાર્થીઓ દ્વારા સમાજહિતના અભિયાનના ભાગરૂપે સામા કાંઠે તાલુકા પોલીસ લાઇન ખાતે હેલ્થ અવેરનેસ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી હતી. જેમાં સ્વચ્છતા જાળવણી, પૌષ્ટિક આહાર, દૈનિક વ્યાયામ, રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઉપાયો તથા નિયમિત આરોગ્ય ચકાસણીના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, આરોગ્ય વિષયક પેમ્ફ્લેટનું વિતરણ કરી જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.


શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આ કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ સામાજિક જવાબદારીનો ઉત્તમ પરિચય આપ્યો હતો. આ પ્રયાસને હાજર રહેલા પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોએ વખાણ્યો હતો અને ભવિષ્યમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમો યોજવા પ્રોત્સાહન આપ્યું હતું.

આ પ્રકારના આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સામાજિક સંવેદનશીલતા વિકસે છે તેમજ સમાજમાં સ્વસ્થ જીવનશૈલી અંગે સકારાત્મક સંદેશ ફેલાય છે.













