મોરબી સિરામિક ઉદ્યોગ : વોલ ટાઇલ્સ એસોસિએશનના નવા પ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ સંઘાતની બહુમતીથી પસંદગી

મોરબીનો વિશ્વકક્ષાનો સિરામિક ઉદ્યોગ ચાર મુખ્ય વિભાગોમાં વહેંચાયેલો છે, જેમાં વોલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, વિટ્રિફાઇડ અને સેનેટરીવેર એસોસિએશનનો સમાવેશ થાય છે. આ પૈકી વોલ ટાઇલ્સ એસોસિએશનના વર્તમાન પ્રમુખ હરેશભાઈ બોપલિયા છેલ્લા ચાર વર્ષ (બે ટર્મ)થી સફળતાપૂર્વક કાર્યરત રહ્યા બાદ તેમની મુદત આગામી 31 માર્ચે પૂર્ણ થઈ રહી છે.

નવા પ્રમુખની પસંદગી માટે એસોસિએશનમાં પરંપરા મુજબ સર્વસંમતિથી નિમણૂક થાય તે માટે આગેવાનો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ પ્રમુખ પદ માટે કેવલભાઈ સંઘાણી, નરેન્દ્રભાઈ સંઘાત અને કાંતિભાઈ સીતાપરાએ ઉમેદવારી નોંધાવી હતી. અંતિમ દિવસ સુધી કોઈએ ઉમેદવારી પરત ખેંચી ન હોવાથી ચૂંટણી યોજાઈ હતી.

આ ચૂંટણીમાં વોલ ટાઇલ્સ ડિવિઝનના કુલ 161 સભ્યોએ 100 ટકા મતદાન કરીને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લીધો હતો. મતગણતરી બાદ નરેન્દ્રભાઈ સંઘાતને 79 મત મળતાં તેઓ બહુમતીથી વિજેતા જાહેર થયા હતા. જ્યારે કાંતિભાઈ સીતાપરાને 53 મત અને કેવલભાઈ સંઘાણીને 29 મત મળ્યા હતા. લ્યુમેન સિરામિક પ્રાઈવેટ લિમિટેડના સંચાલક નરેન્દ્રભાઈ સંઘાત હવે આગામી બે વર્ષ માટે વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળશે.

નવા પ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ સંઘાતે જણાવ્યું હતું કે તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન ઉદ્યોગના રૂટિન પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સમક્ષ અસરકારક રજૂઆતો કરશે અને નક્કર પરિણામો લાવવા પ્રયત્નશીલ રહેશે. ઉપરાંત સિરામિક ઉદ્યોગ માટે જરૂરી નર્મદા પાણીનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

તેમજ મોંઘી અને ઇમ્પોર્ટેડ મશીનરી માટે ગુણવત્તાસભર વીજ પુરવઠો (ક્વોલિટી પાવર) ઉપલબ્ધ થાય તે તેમની પ્રાથમિકતા રહેશે. ઉદ્યોગ વિસ્તારોમાં માર્ગ-સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, તેમજ ટાઇલ્સ એક્સપોર્ટ માટે જરૂરી લેબ ટેસ્ટિંગ અને ક્વોલિટી સર્ટિફિકેશન માટે મોરબીમાં આધુનિક લેબોરેટરી અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવાની દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે સંકલન કરીને પ્રયત્નો હાથ ધરાશે.

આ સાથે મોરબીના સિરામિક ઉદ્યોગને વધુ મજબૂત અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે વિવિધ પહેલો હાથ ધરવાની પણ તેમણે ખાતરી વ્યક્ત કરી હતી.

error: Content is protected !!