નિયમિત રક્તદાન કરતા રૂપલ શાહ, જિજ્ઞા પરમાર અને નિષા પરમારને સન્માનિત કરાયા

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ ખાતે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં બહેનોને નિ:શુલ્ક એન્ટ્રી છે. તે ઉપરાંત આયોજકો દ્વારા વિકાસ વિદ્યાલયની બાળાઓને ત્યાં બોલાવવામાં આવી હતી. અને બાળાઓને લાવવા અને લઈ જવાની તમામ વ્યવસ્થા યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા કરવામાં આવી હતી.

આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના ડો.દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે સંકલ્પ નવરાત્રી મોરબીમાં એકતાનું પ્રતિક છે. જે લોકો નવરાત્રી મહોત્સવને માણી શકવા સમર્થ નથી તેઓને અહીં આમંત્રિત કરીને માતાજીની આરાધનાના પર્વમાં સહભાગી બનાવવામાં આવે છે. જેથી આ નવરાત્રી મહોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ સમાજમાં સમરસતા, એકતા અને સાંસ્કૃતિક જતનનું સશક્ત મંચ બની ગયેલ છે.

વધુમાં જણાવ્યુ હતું કે, નિયમિત રક્તદાન કરતા મહિલા રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે છેલ્લા 15 વર્ષથી દર ત્રણ મહિને રક્તદાન કરતા રૂપલબેન શાહ, છેલ્લા 10 વર્ષથી દર ત્રણ મહિને રક્તદાન કરતા જિજ્ઞાબેન પરમાર અને છેલ્લા 2 વર્ષથી દર છ મહિને રક્તદાન કરતા નિષાબેન પરમારનું સન્માન કરાયું હતું.


















