HomeAllમોરબી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ફોર્મ ચકાસણી પૂર્ણ મહાનગરપાલિકાના 23 અને જિલ્લા પંચાયતના...

મોરબી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ફોર્મ ચકાસણી પૂર્ણ મહાનગરપાલિકાના 23 અને જિલ્લા પંચાયતના 36 ઉમેદવારીપત્ર રદ

મોરબી : આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી માટે આજે સોમવારે ઉમેદવારીપત્રોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન ટેકેદારોની સહી ન હોવી, પક્ષનું મેન્ડેટ રજૂ ન કરવું તેમજ અન્ય ટેકનિકલ કારણોસર અનેક ઉમેદવારીપત્રો અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા.

મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે કુલ 204 ઉમેદવારીપત્રો ભરાયા હતા. જેમાંથી 23 ઉમેદવારીપત્રો રદ થતા હવે 181 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. વોર્ડ નંબર 4માં અપક્ષ ઉમેદવાર રવિ શામજીભાઈ વરાણીયા અને વોર્ડ નંબર 5માં અપક્ષ ઉમેદવાર સંતોષ રવજીભાઈ વણોલના ફોર્મમાં ટેકેદારની સહી ન હોવાથી બંને ઉમેદવારીપત્રો રદ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ભાજપ અને કોંગ્રેસના ડમી ઉમેદવારોના ફોર્મ સહિત કુલ 23 ફોર્મ અમાન્ય જાહેર થયા હતા.

જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે કુલ 117 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા. જેમાંથી 36 ઉમેદવારીપત્રો જુદા જુદા કારણોસર રદ થતા હવે 72 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે.

ઘુંટુ બેઠક ઓબીસી અનામત હોવા છતાં બસપા દ્વારા જસુબેન મનસુખભાઈ ચૌહાણને સામાન્ય બેઠકનું મેન્ડેટ આપવામાં આવ્યું હતું. સાથે ઉમેદવાર શેડ્યૂલ કાસ્ટના હોવાથી તેમનું ઉમેદવારીપત્ર પણ અમાન્ય જાહેર થયું હતું.

હવે આગામી 15 એપ્રિલે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ હોવાથી ત્યારબાદ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ બનશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments