
મોરબીમાં ખેતરમાં મજૂર બની આવેલી એક મહિલાએ ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી 51 લાખથી વધુનો મુદ્દામાલ પડાવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે 5 આરોપી પકડી પાડ્યા છે, જ્યારે મુખ્ય આરોપી મહિલા સહિત 3 ફરાર છે, પોલીસ તપાસ ચાલું છે.

મોરબી: શહેરમાં એક ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી સોનાના બિસ્કીટ-ચેઇન,કાર, બાઈક અને મોબાઇલ મળી કુલ રૂ. 51 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ પડાવ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો હાલ સામે આવ્યો છે.

ચોંકાવનારી વાત તો એ છે કે, હાલના હનિટ્રેપ કેસમાં જે મહિલા આરોપી સંડોવાયેલી છે, તેની અગાઉ પહેલા પણ આવો જ એક હનીટ્રેપ કેસ નોંધાયેલો છે, તેમ છતાં પણ તેણીએ અન્ય સાત જેટલા શખ્સો સાથે મળીને વધુ એક હનિટ્રેપના કેસને અંજામ આપ્યો છે.

ત્યારે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી 5 લોકોની પકડી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગતવાર વાત કરીએ તો, આ હનિટ્રેપનો શિકાર બનનાર ખેડૂત પોતાની વાડી માટે મજૂર શોધી રહ્યા હતા, જે જાણ થતાં પાંચાભાઇ માણસુરીયા નામના શખ્શે તેના સાગરિતો સાથે મળીને આ આખું હનિટ્રેપનું ષડયંત્ર રચ્યું હતું. પ્લાનિંગ મુજબ પાંચાભાઇ માણસુરીયાએ એક મહિલાને મજૂરીના બહાને વાડીએ મોકલી હતી અને બાદ અન્ય આરોપીઓ વાડીએ આવી આ મહિલા સાથે ખેડૂતના વાંધાજનક ફોટા-વિડિયો ઉતારી ખોટી ફરિયાદ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આમ કરીને તેઓએ અધધ 1 કરોડ 11 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને તેમાંના રૂ.50 લાખના 4 સોનાના બિસ્કીટ, 2.5 તોલાનો સોનાનો ચેઇન તથા રોકડા રૂપિયા સહિત રૂ.53,50,000/-ની માલમત્તા બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. બાદમાં વધુ રૂપિયા કઢાવવા માટે આ લોકોએ ખેડૂતનું અપહરણ કરી ગોંધી રાખ્યા હતા. જોકે સમય જતાં કોઈને કોઈ રીતે ભોગબનનાર ખેડૂત આ ગઠિયાઓના ચંગૂલમાંથી નીકળી ગયા બાદ તેઓએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી.

હનીટ્રેપનો ભોગ બનેલા ખેડૂતે ગત તા. 25/12/2025ના રોજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે તપાસ દરમિયાન ખાનગી બાતમીદારો અને ટેકનિકલ સોર્સના આધારે પોલીસે 8માંથી 5 આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા છે. આ સાથે આરોપીઓ પાસેથી સોનાના બિસ્કીટ, સોનાનો ચેઇન, કાર, બાઈક અને મોબાઇલ મળી કુલ રૂ.51 લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો છે.

આ કેસમાં પકડાયેલા આરોપીઓની ઓળખ બોટાદના પાળીયાદ ગામના વતની જીલુભાઇ પરસાડિયા; સુરેન્દ્રનગર સાયલાના સુદામડા ગામના વતની મુકેશભાઇ આલ; મોરબી વાકાનેરના કરણભાઇ વરૂ તથા વાંકાનેરના તીથવા ગામના પાંચાભાઇ માણસુરીયા તેમજ બોટાદના રહેવાસી દેવાંગભાઇ વેલાણી તરીકે થઈ છે. જ્યારે ફરિયાદ અનુસારના ત્રણ આરોપી બોટાદ રતનપરના મનીષભાઇ ગારીયા, બોટાદ નાગલપરના રમેશ ઉર્ફે રામાભાઇ હાડગડા તથા મુખ્ય મહિલા આરોપી ખુશી પટેલ હાલ ફરાર છે, જેઓને પકડવા પોલીસે તપાસની તજવીજ ચાલુ છે.

આ મામલે વધુ માહિતી આપતા મોરબી ડીવાયએસપી વી.બી.દલવાડીએ જણાવ્યું કે, પોલીસે પકડેલ આરોપીઓ પાસેથી મળેલ ત્રણ સોનાના બિસ્કીટ, સોનાનો ચેઇન, બે કાર, એક એક્સેસ બાઈક અને 6 મોબાઇલ સહિત કુલ રૂ.51,11,000/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.








